ભરૂચની સી ડિવિઝન પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી, બિહારથી ભટકીને આવેલા એક માનસિક અસ્થિર યુવાનને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. ભરૂચની GNFC કંપની પાસે શંકાસ્પદ હાલતમાં એક યુવક રખડતો હોવાની જાણ કંપનીના જાગૃત કર્મચારીઓએ પોલીસને કરી હતી. માહિતી મળતા જ પોલીસની સર્વેલન્સ ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવાનની પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવાન માનસિક રીતે બીમાર જણાતો હતો, પરંતુ પોલીસે હિંમત હાર્યા વગર તેની પાસેથી વિગતો કઢાવવાનો પ્રયાસ જારી રાખ્યો હતો. આખરે પોલીસની ધીરજ રંગ લાવી અને યુવાન પાસેથી તેના મોટાભાઈનો સંપર્ક નંબર મળ્યો. બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં રહેતા તેના પરિવારનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, આ યુવાન ગત ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો અને છેલ્લા ચાર મહિનાથી તેની માનસિક સ્થિતિ સારી નહોતી. શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે યુવાનનો ભાણેજ રાજસ્થાનના કોટામાં અભ્યાસ કરે છે, જે તાત્કાલિક ભરૂચ દોડી આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પોતાના મામાને સહીસલામત જોઈ ભાણેજની આંખો ભરાઈ આવી હતી. જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ પોલીસે યુવાનને તેના પરિવારને સોંપી એક વિખૂટા પડેલા પરિવારને ફરી એક કર્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com