Geo Gujarat News

જંબુસર: સામાન્ય પરિવારના પુત્રની અસામાન્ય સિદ્ધિ, CRPF જવાન પાર્થ પટેલને આવકારવા જનમેદની ઉમટી..

જંબુસરના પનોતા પુત્ર પાર્થ શૈલેષભાઈ પટેલે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની અત્યંત કપરી અને પડકારજનક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતનમાં પગ મૂકતા જ સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. એક સામાન્ય પરિવારમાંથી આવતા આ યુવાને પોતાની અડગ મહેનત અને રાષ્ટ્રસેવા પ્રત્યેના સમર્પણથી માત્ર પટેલ સમાજનું જ નહીં, પરંતુ સમગ્ર જંબુસર પંથકનું ગૌરવ વધાર્યું છે. પાર્થ પટેલના આગમન સમાચાર વાયુવેગે પ્રસરતા જ તેને આવકારવા માટે નગરજનો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જ્યાં તેમનું પરંપરાગત રીતે પુષ્પહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.તાલીમ બાદ પ્રથમવાર વતન આવેલા પાર્થ પટેલે ટંકારી ભાગોળ સ્થિત આસ્થાના પ્રતીક સમાન સિકોતર માતાજીના આશીર્વાદ લીધા હતા, ત્યારબાદ તેમના સન્માનમાં એક ભવ્ય વિજય યાત્રા કાઢવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો પર ફરેલી આ યાત્રા દરમિયાન દેશભક્તિના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાવા ભાગોળ સ્થિત તેમના નિવાસસ્થાને આ સન્માન રેલીનું સમાપન થયું હતું, જ્યાં પરિવારના સભ્યો અને સ્નેહીજનોએ ભાવુક થઈને પોતાના લાડલા જવાનને વધાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે, પાર્થની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ સેનામાં જોડાઈ દેશસેવા કરવાની પ્રેરણા પૂરી પાડશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.