મધ્ય પૂર્વના રણમેદાનમાં ખેલાઈ રહેલો લોહીયાળ જંગ હવે હિંદ મહાસાગરના શાંત જળને પણ અશાંત કરી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સીધા સૈન્ય સંઘર્ષની આંચ શ્રીલંકાના દરિયાકાંઠા સુધી પહોંચતા દક્ષિણ એશિયામાં રાજદ્વારી ગરમાવો આવી ગયો છે. અમેરિકી સબમરીનના હુમલામાં ઈરાની યુદ્ધજહાજ IRIS ડેના દરિયામાં ગરકાવ થયા બાદ તેના સાથી જહાજ IRIS બુશહર પર સંકટના વાદળો ઘેરાયા હતા. આ જટિલ પરિસ્થિતિમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે એક અત્યંત સંવેદનશીલ નિર્ણય લેતા ઈરાની જહાજ અને તેના ૨૦૬ જેટલા ક્રૂ મેમ્બર્સને પોતાની સુરક્ષા હેઠળ લેવાની જાહેરાત કરી છે.
શ્રીલંકાએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓ અને માનવતાવાદી અભિગમને પ્રાધાન્ય આપીને IRIS બુશહરને આશરો આપ્યો છે. જોકે, સુરક્ષા અને તટસ્થતા જાળવવા માટે આ જહાજને મુખ્ય કોલંબો પોર્ટને બદલે પૂર્વના ત્રિંકોમાલી બંદર વિસ્તારમાં ખસેડવામાં આવશે. જહાજ પર સવાર ૫૩ ઉચ્ચ અધિકારીઓ અને ૮૪ કેડેટ્સ સહિતના તમામ ૧૩૫થી વધુ નૌસૈનિકોની તબીબી તપાસ બાદ તેમને પશ્ચિમી પ્રાંતના વેલિસારા નેવી કેમ્પમાં કડક દેખરેખ હેઠળ રાખવામાં આવશે. રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે શ્રીલંકા એક તટસ્થ રાષ્ટ્ર તરીકે કોઈ પણ દેશના પક્ષમાં ઝૂક્યા વગર આંતરરાષ્ટ્રીય વિવાદથી બચવા માટે આ ‘અસામાન્ય’ મધ્યસ્થી કરી રહ્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com