ભારતીય વાયુસેનાનું શક્તિશાળી ફાઈટર જેટ સુખોઈ-30 MKI આસામના આકાશમાં એક તાલીમ ઉડાન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થતા સંરક્ષણ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ગુરુવારે સાંજે જોરહાટ એરબેઝ પરથી ઉડાન ભર્યા બાદ આ વિમાન કર્બી આંગલોંગ જિલ્લાની ઉપરથી પસાર થતી વખતે અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. વાયુસેનાએ સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ કરુણ દુર્ઘટનામાં વિમાનમાં સવાર સ્ક્વાડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરગકર શહીદ થયા છે. પ્લેનનો છેલ્લો સંપર્ક સાંજે ૭:૪૨ વાગ્યે થયો હતો, ત્યારબાદ સર્ચ ઓપરેશન દરમિયાન ક્રેશના પુરાવા મળ્યા હતા.
ટેકનિકલ દ્રષ્ટિએ Su-30MKI એ રશિયન બનાવટના Su-27નું અત્યંત આધુનિક અને ઘાતક સંસ્કરણ ગણાય છે. ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ આ ૨૭૨ જેટ પૈકીનું એક એવું વિમાન હતું જે અદ્યતન ઓટોકેનનથી સજ્જ છે, જે પ્રતિ મિનિટ ૧૫૦ રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે. આ ફાઈટર જેટની સૌથી મોટી તાકાત તેની હથિયાર વહન કરવાની ક્ષમતા છે. તે ૧૨ હાર્ડ પોઈન્ટ્સ પર કુલ ૮૧૩૦ કિલોગ્રામ વજનના હથિયારો, જેમાં ૪ પ્રકારના રોકેટ, ૪ પ્રકારની મિસાઈલ અને ૧૦ પ્રકારના બોમ્બનો સમાવેશ થાય છે, તે લઈ જઈ શકે છે. ખાસ કરીને ૫૦૦ કિમીની રેન્જ ધરાવતી બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ આ વિમાન ચીન અને પાકિસ્તાન જેવા પડોશી દેશો માટે હંમેશા મોટો પડકાર રહ્યું છે. વાયુસેનાએ આ બહાદુર અધિકારીઓના બલિદાન બદલ ઊંડો શોક વ્યક્ત કરી તેમના પરિવારો પ્રત્યે સંવેદના પ્રકટ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com