ગુજરાત વકીલ મંડળની મહત્વની ચૂંટણી પ્રક્રિયા આજે રાજ્યભરમાં શરૂ થઈ છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોર્ટ ખાતે પણ વકીલોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા કોર્ટમાં સવારથી જ વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા હતા. કોર્ટ પરિસરમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. વકીલોએ લાંબી કતારોમાં ઉભા રહીને ન્યાયતંત્ર અને વકીલ આલમના હિતમાં કામ કરી શકે તેવા પ્રતિનિધિઓની પસંદગી કરવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.
આ ચૂંટણીમાં ભરૂચ જિલ્લા કોર્ટમાંથી કુલ ત્રણ પ્રતિષ્ઠિત એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે સ્થાનિક સ્તરે રસાકસીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના કુલ ૧૦૩૨ વકીલ મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ઉમેદવારોએ પોતાની તરફેણમાં મતદાન કરવા માટે મતદારોનો સંપર્ક કરી પ્રચાર પણ તેજ કર્યો હતો. મતદાન કેન્દ્ર પર વકીલોની સુરક્ષા અને સુવિધાને ધ્યાને રાખીને ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. આ ચૂંટણીના પરિણામો વકીલ મંડળની આગામી કાર્યપદ્ધતિ અને વકીલોના પ્રશ્નોના નિરાકરણ માટે અત્યંત મહત્વના સાબિત થશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com