હિન્દ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજ પર અમેરિકાના ટોર્પિડો હુમલા બાદ જટિલ બનેલી ભૌગોલિક-રાજકીય સ્થિતિમાં શ્રીલંકાએ અત્યંત મક્કમ વલણ અપનાવ્યું છે. અમેરિકાના ભારે રાજદ્વારી દબાણને ફગાવી દઈ શ્રીલંકાએ સ્પષ્ટ કર્યું છે કે, ઈરાની નૌસેનિકોના ભવિષ્યનો નિર્ણય કોઈ પણ દેશના પ્રભાવ હેઠળ આવ્યા વગર, માત્ર આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા અને માનવતાવાદી ધોરણોના આધારે જ લેવામાં આવશે. શ્રીલંકાના આ સ્ટેન્ડથી દક્ષિણ એશિયાના દરિયાઈ રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર વિવાદની વિગતો મુજબ, ગાલે બંદરથી થોડે દૂર અમેરિકન સબમરીને ઈરાની યુદ્ધ જહાજ ‘IRIS ડેના’ને નિશાન બનાવી ડુબાડી દીધું હતું, જેમાં 87 નૌસેનિકોના કરુણ મોત નીપજ્યા હતા. આ સંઘર્ષ દરમિયાન ફસાયેલા અન્ય એક સહાયક જહાજ IRIS બુશેહરના 208 ક્રૂ સભ્યોને શ્રીલંકાએ સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ બચી ગયેલા નૌસેનિકોને ઈરાન પરત ન મોકલવા માટે શ્રીલંકા પર દબાણ કરવામાં આવ્યું હતું. જોકે, દિલ્હીમાં રાયસીના ડાયલોગ દરમિયાન શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિથા હેરાથે સ્પષ્ટ કર્યું કે તેમની સરકાર કોઈ પણ બાહ્ય દબાણને વશ થશે નહીં અને વૈશ્વિક નિયમોનું પાલન કરશે. શ્રીલંકાએ માનવતાવાદી અભિગમને પ્રાથમિકતા આપતા હાલમાં તમામ ઈરાની ક્રૂ સભ્યોને કોલંબો નજીકના સુરક્ષિત નૌકાદળ મથક પર સ્થાનાંતરિત કર્યા છે અને ઈરાની જહાજને પૂર્વ કિનારાના બંદર તરફ લઈ જવામાં આવી રહ્યું છે. શ્રીલંકાના આ સાર્વભૌમ નિર્ણયે સ્પષ્ટ કરી દીધું છે કે તે મહાસત્તાઓના સંઘર્ષમાં પ્યાદું બનવાને બદલે ન્યાયી પ્રક્રિયાને અનુસરશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com