મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક અત્યંત હૃદયદ્રાવક અને અમાનવીય ઘટના સામે આવી છે. જિલ્લા મથકથી 70 કિમી દૂર પુનાસા વિસ્તારમાં ચાર બુકાનીધારી હેવાનોએ 90 વર્ષના એક નિસહાય વૃદ્ધાને પોતાની હવસનો શિકાર બનાવ્યા હતા. નરાધમોએ વૃદ્ધાના મોઢામાં કપડું ઠાંસી દઈ તેમની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને એટલી હદે ક્રૂરતા દાખવી હતી કે વૃદ્ધાના ગુપ્ત ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. હેવાનો વૃદ્ધાને કૂવામાં ફેંકીને પુરાવા મિટાવવાની પેરવીમાં હતા, પરંતુ અન્ય ખેતરોમાં લોકોની અવરજવર જણાતા તેઓ વૃદ્ધાને મરણતોલ હાલતમાં છોડીને નાસી છૂટ્યા હતા.
આ કરુણ દુર્ઘટનામાં પીડિત વૃદ્ધા આખી રાત પોતાના ખેતરમાં બનેલી ઝૂંપડીમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા રહ્યા હતા. શુક્રવારે સવારે જ્યારે ગ્રામીણો ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે વૃદ્ધાને લોહીથી લથપથ હાલતમાં ખાટલા પર પડેલા જોયા હતા. ભયાનક દ્રશ્ય જોઈને ગ્રામીણો ચોંકી ઉઠ્યા હતા અને તુરંત પોલીસ તેમજ વૃદ્ધાની પુત્રીને જાણ કરી હતી. હાલમાં પીડિત મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જોકે તેમની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓ નિવેદન આપવાની સ્થિતિમાં નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કૃત્ય કોઈ નશાખોર શખ્સોએ આચર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. મહિલા સુરક્ષાના દાવાઓ વચ્ચે 90 વર્ષના વૃદ્ધા સાથે થયેલી આ પાશવી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ જન્માવ્યો છે અને લોકો નરાધમોને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com