Geo Gujarat News

ખાડી યુદ્ધના એંધાણ વચ્ચે ભારત સરકાર એક્શન મોડમાં, LPGની અછત નિવારવા રિફાઇનરીઓ પર એસ્મા લાગુ

પશ્ચિમ એશિયામાં વધતા જતા યુદ્ધના તણાવ અને હોર્મુઝ સમુદ્ર માર્ગ બંધ થવાને કારણે સર્જાયેલી વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત સરકારે દેશમાં રસોઈ ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે અસાધારણ ઇમરજન્સી સત્તાનો ઉપયોગ કર્યો છે. ઇઝરાયેલ, અમેરિકા અને ઇરાન વચ્ચેના સંઘર્ષને પગલે આયાત ખોરવાવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે સરકારે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ, 1955 એસ્મા હેઠળ તમામ સરકારી અને ખાનગી ઓઇલ રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન મહત્તમ કરવાના કડક આદેશ આપ્યા છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો સઉદી અરેબિયા જેવા દેશોમાંથી આયાત કરે છે, જે હોર્મુઝની સામુદ્રધુની દ્વારા ભારત પહોંચે છે. હાલમાં આ માર્ગ બંધ થવાથી આયાતમાં 30% જેટલો કાપ આવવાની શક્યતા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા પાંચ માર્ચના રોજ જારી કરાયેલા આદેશ મુજબ, હવે રિફાઇનરીઓએ પ્રોપેન અને બ્યુટેન સ્ટ્રીમનો ઉપયોગ પેટ્રોકેમિકલ્સ બનાવવાને બદલે માત્ર અને માત્ર રસોઈ ગેસના ઉત્પાદન માટે જ કરવાનો રહેશે. આ રીતે ઉત્પાદિત થયેલો તમામ ગેસ ફરજિયાતપણે માત્ર ત્રણ સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (IOC, BPCL, HPCL) ને જ સપ્લાય કરવાનો રહેશે.દેશમાં હાલ 33 કરોડથી વધુ સક્રિય એલપીજી ગ્રાહકો છે. વર્ષ 2024-25માં વપરાયેલા 31.3 મિલિયન ટન ગેસમાંથી અડધાથી વધુ હિસ્સો આયાતિત હતો. જોકે ભારત પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે, પરંતુ ગેસ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવા માટે આ કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધ સમયે પણ સરકારે આવી સત્તાનો ઉપયોગ કર્યો હતો. સરકારનો ઉદ્દેશ્ય ખાડી દેશોની અસ્થિરતાની અસર ભારતીય ગૃહિણીઓના રસોડા સુધી ન પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.