Geo Gujarat News

પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા, હોર્મુઝની ખાડી બંધ થતા ભારતનો દરિયાઈ વેપાર ઠપ, હજારો ટન કૃષિ પેદાશો બગડવાની ભીતિ

ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના અવસાન બાદ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ સંઘર્ષની સીધી અને ઘાતક અસર ભારતના વિદેશ વ્યાપાર પર પડી છે. ઈરાને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાતી હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દેતા દુબઈના જેબલ અલી પોર્ટ પર ભારતના એક હજારથી વધુ કૃષિ ઉત્પાદનોના કન્ટેનરો ફસાઈ ગયા છે. છેલ્લા એક સપ્તાહથી પરિવહન અટકી પડતા કેળા, દ્રાક્ષ, દાડમ અને ડુંગળી જેવી નાશવંત ચીજવસ્તુઓ હવે સડવા લાગી છે, જેના કારણે ભારતીય ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.ખાસ કરીને રમઝાન માસ દરમિયાન ખાડી દેશોમાં ફળો અને શાકભાજીની મોટી માંગ હોય છે, પરંતુ ૨૮ ફેબ્રુઆરીથી વેપાર થંભી જતા નિકાસકારોની હાલત કફોડી બની છે. એકલા દ્રાક્ષના જ આશરે ૫ થી ૬ હજાર ટન જેટલા જથ્થા વિવિધ પોર્ટ પર અટવાયેલા છે. માત્ર નિકાસ જ નહીં, પણ આયાત પર પણ માઠી અસર પડી છે; ઈરાનના ટાપુઓ પર સફરજન, કીવી અને ખજૂરના અંદાજે ૭૦૦ જેટલા કન્ટેનરો ફસાયેલા છે. સરકાર દ્વારા મંજૂર કરાયેલી ૨૦ લાખ ટન ખાંડની નિકાસ સામે હવે માત્ર ૫ લાખ ટન જ બજારમાં પહોંચી શકે તેવી શક્યતા છે, જે ભારતની અર્થવ્યવસ્થા માટે મોટો ઝટકો છે.બીજી તરફ, દરિયામાં ફસાયેલા ૨૩,૦૦૦ જેટલા ભારતીય નાવિકોના જીવ અત્યારે જોખમમાં મુકાયા છે. હોર્મુઝ, ફારસ અને ઓમાનની ખાડીને હાઈ-રિસ્ક ઝોન જાહેર કરાયા છે, જ્યાં ભારતીય ધ્વજ ધરાવતા ૩૬ જહાજો મદદની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજો પર હુમલાની ઘટનાઓ વધી છે, જેમાં ત્રણ ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. નાવિક સંગઠનોએ કેન્દ્ર સરકાર અને ભારતીય નેવીને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડી રેસ્ક્યૂ કરવા આજીજી કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.