ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આગામી ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ એક ઐતિહાસિક અને રાષ્ટ્રભક્તિથી સભર સાંજનું આયોજન થવા જઈ રહ્યું છે. ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સંઘર્ષમય અને પ્રેરણાદાયી જીવનચરિત્ર પર આધારિત ભવ્ય મેગા મલ્ટીમીડિયા શો નમોત્સવ પ્રથમવાર અંકલેશ્વરના આંગણે યોજાશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ જીઆઈડીસી સ્થિત E.S.I. હોસ્પિટલની સામેના મેદાનમાં રાત્રે ૦૬:૦૦ વાગ્યાથી શરૂ થશે.
આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર શ્રી સાઈરામ દવે તેમની ૧૦૦ થી ૧૫૦ કલાકારોની વિશાળ ટીમ સાથે વડાપ્રધાનની જીવનગાથાને જીવંત કરશે. અત્યાધુનિક ટેકનોલોજી, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓના માધ્યમથી મોદીજીના બાળપણથી લઈને વડાપ્રધાન સુધીની સફરને નિહાળવાનો લહાવો અંકલેશ્વરવાસીઓને મળશે. આયોજકો દ્વારા ૧૦,૦૦૦ થી વધુ લોકો બેસી શકે તેવી ભવ્ય બેઠક વ્યવસ્થા, ચુસ્ત સુરક્ષા અને સુદ્રઢ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અંકલેશ્વર, હાસોટ, ઝગડિયા અને વાલિયા પંથકના નાગરિકો માટે આ એક અનેરો અવસર છે. કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ અનિવાર્ય રાખવામાં આવ્યા છે અને તમામ મુલાકાતીઓ માટે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે રાષ્ટ્રભક્તિના આ મહોત્સવમાં સૌ નગરજનો સહપરિવાર ઉપસ્થિત રહીને વડાપ્રધાનના ચરિત્ર પર આધારિત આ અદભૂત પ્રસ્તુતિને નિહાળે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com