મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક વિનાશક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત સૈન્ય અભિયાન સામે ઈરાને પણ આરપારની લડાઈના એંધાણ આપ્યા છે. શનિવારે ઈઝરાયલી વાયુસેનાએ ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને તેહરાન અને કરજ જેવા શહેરોમાં આવેલા વ્યૂહાત્મક તેલ ભંડારો પર મિસાઈલમારો કર્યો હતો. આ હુમલા એટલા પ્રચંડ હતા કે અનેક ફ્યૂલ સ્ટોરેજ કોમ્પ્લેક્સ જોતજોતામાં રાખના ઢગલામાં ફેરવાઈ ગયા હતા અને આકાશમાં માઈલો દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા જોવા મળ્યા હતા. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ આ હુમલા બાદ ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું છે કે આ તો માત્ર શરૂઆત છે અને હજુ ઘણા ‘સરપ્રાઈઝ’ બાકી છે.
તો બીજી તરફ ઈરાને પણ નમતું જોખવાને બદલે વળતો પ્રહાર કરવાની મક્કમતા દર્શાવી છે. ઈરાની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ રવિવારે સત્તાવાર નિવેદન જારી કરીને દાવો કર્યો છે કે તેઓ અમેરિકા અને ઈઝરાયલ સામે આગામી 6 મહિના સુધી સતત અને તીવ્ર સંઘર્ષ ચાલુ રાખવા માટે પૂરેપૂરા સજ્જ છે. ઈરાનનો દાવો છે કે તેમણે અત્યાર સુધીમાં દુશ્મન દેશોના સૈન્ય બેઝ સહિત 200 થી વધુ સ્થાનોને પોતાની મિસાઈલો દ્વારા નિશાન બનાવ્યા છે. હાલની ઓપરેશન સ્પીડ મુજબ ઈરાની સેના લાંબા ગાળાના યુદ્ધ માટે માનસિક અને સૈન્ય રીતે તૈયાર હોવાનું જણાવી રહી છે.
આ વૈશ્વિક તંગદિલીને કારણે માત્ર મધ્ય પૂર્વ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની ઉર્જા સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. ઈરાનના તેહરાન અને અલ્બોર્જ પ્રાંતમાં લાગેલી આગ હજુ પણ કાબૂમાં આવી નથી, જે ઈઝરાયલની સચોટ અને આક્રમક રણનીતિનો પુરાવો આપે છે. સામે પક્ષે ઈરાન દ્વારા કરવામાં આવી રહેલી મિસાઈલ વર્ષાએ મધ્ય પૂર્વમાં રહેલા અમેરિકન સૈન્ય મથકોની સુરક્ષા અંગે પણ પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતોના મતે, જો આ સંઘર્ષ જલ્દી શાંત નહીં થાય તો તે ત્રીજા વિશ્વયુદ્ધની દિશામાં આગળ વધી શકે છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com