Geo Gujarat News

ભરૂચમાં મોંઘવારીનો ચૂલો સળગ્યો, ગેસ-તેલના ભાવવધારા સામે મહિલા કોંગ્રેસના રસ્તા પર રોટલા, પોલીસે કરી અટકાયત..

આસમાને પહોંચેલી મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઝીંકાયેલા તોતિંગ વધારા સામે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ આક્રમક તેવર બતાવ્યા છે. ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવો સામાન્ય જનતાની પહોંચ બહાર જઈ રહ્યા હોવાના વિરોધમાં આજે ભરૂચના વ્યસ્ત એવા પાંચબત્તી વિસ્તારમાં મહિલા કાર્યકરોએ રસ્તા પર ઉતરી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. મહિલાઓએ ભરબજારમાં લાકડાનો ચૂલો સળગાવી પ્રતિકાત્મક રીતે રોટલા ઘડીને સરકારની નીતિઓ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવીની આગેવાનીમાં યોજાયેલા આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન જ્યોતિ તડવીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, રસોઈ ગેસ અને ખાદ્ય તેલના ભાવોએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે હવે બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. પ્રદર્શનકારીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને વધેલા ભાવો તાત્કાલિક પાછા ખેંચવાની ઉગ્ર માંગ કરી હતી. શહેરના મુખ્ય માર્ગ પર ચાલી રહેલા આ હાઈવોલ્ટેજ ડ્રામાને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ વધુ વણસે તે પહેલા જ ભરૂચ એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસે વિરોધ કરી રહેલી મહિલા કોંગ્રેસની કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર મોંઘવારી પર લગામ નહીં લગાવે તો આગામી સમયમાં જનતાને સાથે રાખીને આ લડાઈ વધુ તેજ બનાવવામાં આવશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.