Geo Gujarat News

દિલ્હીના ઉત્તમ નગરમાં હત્યાના આરોપીના ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર, ધુળેટીના વિવાદમાં યુવકની કરપીણ હત્યા બાદ તંત્રની કડક કાર્યવાહી

દેશની રાજધાની દિલ્હીના ઉત્તમ નગર વિસ્તારમાં ધુળેટીના દિવસે સર્જાયેલા લોહીયાળ સંઘર્ષ બાદ હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રંગ લગાવવા જેવી સામાન્ય બાબતે થયેલી ૨૬ વર્ષીય તરુણ નામના યુવકની હત્યાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોપીઓના નિવાસસ્થાને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ આરોપીના ઘરના ગેરકાયદેસર હિસ્સાને બુલડોઝરની મદદથી જમીનદોસ્ત કરી દીધો હતો. આ કાર્યવાહીને નિહાળવા માટે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની પૃષ્ઠભૂમિ મુજબ, ૪ માર્ચના રોજ હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન તરુણના પરિવારની એક બાળકીએ અન્ય સમુદાયની મહિલા પર પાણી ભરેલો ફુગ્ગો ફેંકતા વિવાદ વકર્યો હતો. આ સામાન્ય તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને ૨૬ વર્ષના તરુણને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી અને રોષે ભરાયેલા લોકોએ અગાઉ આરોપીઓના ઘરને આગ લગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. મૃતકના પરિવારે ન્યાયની માંગ સાથે આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવવાની ઉગ્ર રજૂઆત કરી હતી. હાલમાં પોલીસે આ કેસમાં ૭ આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, આ કાર્યવાહી દબાણ હટાવો અભિયાનનો એક ભાગ છે. ચોમાસામાં ગેરકાયદેસર બાંધકામને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી આ અવરોધો દૂર કરવામાં આવ્યા છે. જોકે, સ્થાનિક સ્તરે આને હત્યાના આરોપીઓ સામેના કડક પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર ઓપરેશન દરમિયાન ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.