Geo Gujarat News

જંબુસરના ભાણખેતરમાં વહેલી સવારે અગ્નિકાંડ, સરપંચની લક્ઝરી કાર શોર્ટ સર્કિટથી ભડભડ સળગી, લાખોનું નુકસાન..

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં આજે વહેલી સવારે સર્જાયેલી એક દુર્ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ગામના પ્રથમ નાગરિક અને સરપંચ જગદીશભાઈ પટેલની માલિકીની ગાડીમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના સવારે 4:00 થી 5:00 વાગ્યાના સમયગાળામાં બની હતી, જ્યારે ગામના લોકો ગાઢ નિદ્રામાં હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાડીમાં અચાનક થયેલા શોર્ટ સર્કિટને કારણે તણખો ઝર્યો હતો અને જોતજોતામાં જ્વાળાઓએ સમગ્ર વાહનને લપેટમાં લઈ લીધું હતું. આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે બચાવ કામગીરી શરૂ થાય તે પહેલા જ કાર લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક જંબુસર નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરાતી અટકાવી હતી.સદનસીબે, આગ લાગી તે સમયે ગાડી પાર્કિંગમાં ઉભી હતી અને તેમાં કોઈ સવાર નહોતું, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી છે. જોકે, સરપંચની આ કિંમતી ગાડી સંપૂર્ણપણે નાશ પામતા તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ ઘટનાને પગલે વહેલી સવારે ભાણખેતર ગામમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.