ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચમાં આવેલી સરકારી માલિકીની ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ કંપનીમાં આજે કામગીરી દરમિયાન એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો હતો. કંપનીના પ્લાન્ટમાં ચાલતી પ્રોસેસ દરમિયાન અચાનક બોઈલરમાંથી ગરમ રાખ ઉડતા તેની અડફેટમાં આવેલા 8 જેટલા શ્રમિકો દાઝી જતાં પ્લાન્ટ પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, બોઈલર પાસે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ટેકનિકલ કારણોસર ગરમ રાખનો ફુવારો ઉડ્યો હતો. આ ગરમ રાખના સીધા સંપર્કમાં આવતા નજીકમાં જ ફરજ બજાવતા 8 કામદારો દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તો પૈકી એક કામદારને ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય સાત કામદારોને પગ અને શરીરના નીચેના ભાગે દાઝવાની ઇજાઓ થઈ છે.
ઘટના બનતા જ કંપનીના ઈમરજન્સી મેનેજમેન્ટ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે GNFC ની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ગંભીરતાને ધ્યાને લઈને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તાત્કાલિક અસરથી તપાસના આદેશો આપ્યા છે. સરકારી વિભાગની ટીમ દ્વારા પ્લાન્ટની મુલાકાત લઈ અકસ્માત પાછળ સુરક્ષામાં ખામી હતી કે ટેકનિકલ ક્ષતિ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ઉદ્યોગ જગતમાં શ્રમિકોની સુરક્ષા અને પ્લાન્ટના મેન્ટેનન્સ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉઠ્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com