Geo Gujarat News

ભરુચ: વાલિયા રોડ પરથી દારૂની 82 બોટલો સાથે મહિલા બુટલેગર જેલભેગી, કાપોદ્રામાં જુગારધામ પર પોલીસનો સપાટો..

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં પોલીસે ગુનાખોરી ડામવા માટે લાલ આંખ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેર અને તાલુકા પોલીસે બે અલગ-અલગ સફળ ઓપરેશન પાર પાડીને દારૂની હેરાફેરી કરતી એક મહિલા સહિત પાંચ જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પ્રથમ ઘટનામાં, અંકલેશ્વર GIDC પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી કે વાલિયા રોડ પર આવેલી આનંદ હોટલ પાસેથી એક મહિલા વિદેશી દારૂના જથ્થા સાથે પસાર થવાની છે. આ બાતમીને ગંભીરતાથી લઈ પોલીસે હોટલની સામે વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની મહિલા શંકાસ્પદ હાલતમાં ત્યાંથી પસાર થતા પોલીસે તેને અટકાવી તેની બેગની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે મહિલાની બેગમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૮૨ બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ. ૨૯,૦૦૦ થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલી મહિલાની ઓળખ તેજલબેન વિપુલભાઈ વસાવા (રહે. ટેકરી ફળિયું, કોસમડી ગામ) તરીકે થઈ છે. હાલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તો બીજી તરફ, અંકલેશ્વર તાલુકા પોલીસે જુગારના અડ્ડા પર ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. કાપોદ્રા ગામની સીમમાં આવેલી નવજીવન હોટલ પાસે કેટલાક ઈસમો જાહેરમાં પત્તા ટીચી રહ્યા હોવાની જાણકારી પોલીસને મળી હતી. બાતમીવાળા સ્થળે પોલીસે ઓચિંતો દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ઘેરો ઘાલીને પાંચ શખ્સોને દબોચી લીધા હતા, જેમાં મુખ્યત્વે મોહંમદ સબલુ ઉર્ફે શાહબુદ્દીન મોહંમદ હલીમ શેખ, જયકુમાર કણસાગર તેમજ મોહમ્મદ ઉમર અહેમદ અલી શેખનો સમાવેશ થાય છે. પોલીસે જુગારના સાહિત્ય અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વરમાં પોલીસની આ આક્રમક કામગીરીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.