દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ તાલુકાના દહેગામ પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે જઈ રહેલા ટેન્કર અને ટ્રેલર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેન્કરની કેબિનનો કચડઘાણ વળી ગયો હતો અને ચાલક અંદર જ લોખંડના પતરાં વચ્ચે ફસાઈ ગયો હતો.

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને હાઈવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ટેન્કરના કેબિનમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવો અત્યંત મુશ્કેલ હતો, જેના કારણે તાત્કાલિક ગેસ કટર અને હાઈડ્રોલિક સાધનો મંગાવવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ કેબિનના લોખંડના ભાગોને કાપીને ફસાયેલી વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. આ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન જોઈને ઘટનાસ્થળે હાજર લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જોકે પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com