Geo Gujarat News

આમોદ: ગરીબોના શૌચાલયમાં ખાયકી કરનારા ફફડ્યા, ૧૩૮૧ શૌચાલયના નિર્માણમાં થયેલા કૌભાંડની ફાઇલ ગૂમ થતા પોલીસ ફરિયાદ.

ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકા ફરી એકવાર ભ્રષ્ટાચારના વિવાદોમાં સપડાઈ છે. વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૬ દરમિયાન નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અંતર્ગત થયેલા મોટા પાયાના કૌભાંડને દબાવવા માટે નગરપાલિકા કચેરીમાંથી મહત્વની ફાઈલો ગૂમ થઈ જવાની ઘટના સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે પાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આશરે ૧૨ વર્ષ પૂર્વે ગરીબ પરિવારોને શૌચાલયની સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુથી અમલમાં આવેલી આ યોજના હેઠળ આમોદમાં કુલ ૧૩૮૧ શૌચાલયો બનાવવામાં આવ્યા હતા. જોકે, તત્કાલીન શાસકો અને અધિકારીઓએ સરકારી નાણાંનો દુરુપયોગ કરી અત્યંત હલકી કક્ષાની કામગીરી કરી હોવાની ફરિયાદો ઉઠી હતી. આક્ષેપ છે કે શૌચાલયોના નામે લાખો રૂપિયા ચાઉં કરી જવામાં આવ્યા હતા, જે અંગે ઉચ્ચ સ્તરેથી તપાસના આદેશો છૂટ્યા હતા.જ્યારે સરકાર તરફથી કસૂરવારો સામે કડક કાર્યવાહીના એંધાણ મળ્યા, ત્યારે અચાનક જ પાલિકા કચેરીમાંથી આ કૌભાંડને લગતી ફાઈલો રહસ્યમય રીતે ગૂમ થઈ ગઈ છે. નગરમાં એવી ચર્ચા છે કે આ કૌભાંડમાં જે-તે સમયના ત્રણ પ્રમુખો, ચાર મુખ્ય અધિકારીઓ, ત્રણ એન્જિનિયરો અને સાત જેટલી એજન્સીઓની સંડોવણી હોઈ શકે છે. પોતાના પાપ છુપાવવા અને કાયદાકીય પકડમાંથી બચવા માટે મિલીભગતથી આ ફાઈલો ગાયબ કરી દેવામાં આવી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ફાઈલો ગૂમ થવાની ગંભીરતાને ધ્યાને લઈ આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસ મથકે વિધિવત ફરિયાદ આપી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે કે કચેરીના કયા જવાબદાર વ્યક્તિની હાજરીમાં અથવા કોના ઈશારે આ દસ્તાવેજો ગૂમ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર આમોદ પંથકમાં ભ્રષ્ટાચારીઓ સામે ફિટકારની લાગણી જન્મી છે અને લોકોમાં ન્યાયિક તપાસની માંગ ઉઠી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.