Geo Gujarat News

વાગરા: કાળઝાળ ગરમી વચ્ચે વસ્તી ખંડાલીની 5 વર્ષની આયતબાનુંએ રાખ્યો પ્રથમ રોજો!

વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામથી માનવતા અને આસ્થાનો એક અત્યંત પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જેણે આકરા ઉનાળાના તાપમાં પણ ભક્તિની શીતળતા પ્રસરાવી દીધી છે. જ્યારે આસમાનમાંથી અગનગોળા વરસી રહ્યા હોય અને ભલભલા વયસ્કો પણ ત્રાહિમામ પોકારી ઉઠતા હોય, તેવા કાળઝાળ ગરમીના માહોલમાં વસ્તી ખંડાલી ગામના ખડી ફળિયામાં રહેતા પત્રકાર સૈફ અલી ભટ્ટીની માત્ર પાંચ વર્ષની માસૂમ પુત્રી આયતબાનુંએ અદભૂત સંકલ્પશક્તિનો પરિચય આપ્યો છે. આ નાનકડી બાળાએ પવિત્ર રમઝાન માસના ઉપલક્ષમાં પોતાના જીવનનો પ્રથમ રોજો રાખીને ઈસ્લામના પાયાના સિદ્ધાંતો અને અલ્લાહ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમઝાન માસ એટલે ઈબાદત, સંયમ અને ત્યાગનો પર્વ, જેમાં સતત ૧૫ થી ૧૬ કલાક સુધી અન્ન-જળનો ત્યાગ કરવાનો હોય છે. પાંચ વર્ષની કુમળી વયે આયતબાનુંએ આ કઠિન કસોટીને હસતા મુખે સ્વીકારી હતી. ગરમીના આક્રમક મિજાજ વચ્ચે પણ તેણે પૂરા દિવસનો રોજો અત્યંત ધૈર્યપૂર્વક પૂર્ણ કર્યો હતો. આ દ્રશ્ય જોઈને માત્ર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર ગામ આશ્ચર્યચકિત થઈ ગયું હતું.


આ નાનકડી મુજાહિદાની આસ્થાએ સાબિત કરી દીધું છે કે ઈબાદત માટે ઉંમર નહીં પણ અડગ મન અને ઈમાનની જરૂર હોય છે. રોજો પૂર્ણ કર્યા બાદ આ માસૂમે દેશ અને દુનિયામાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખુદાના દરબારમાં આજીજી કરી હતી. આયતબાનુંની આ વિશિષ્ટ સિદ્ધિને વધાવવા માટે ફળિયાના રહીશો અને વડીલો ઉમટી પડ્યા હતા. તેને ફૂલહાર પહેરાવી, મીઠાઈ ખવડાવી તેનું શાહી સન્માન કરવામાં આવ્યું હતું. વસ્તી ખંડાલી ગામના લોકો માટે આ ગર્વની ક્ષણ હતી, કારણ કે એક નાનકડી બાળકીએ આટલી નાની ઉંમરે ધર્મના માર્ગે ચાલીને વડીલોને પણ પ્રેરણા આપી છે. આ ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને આયતબાનું પર ચારેબાજુથી આશીર્વાદ અને અભિનંદનની વર્ષા થઈ રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.