આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ પોતાની કમર કસી લીધી છે. જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલી નવનિયુક્ત ટીમની પ્રથમ પરિચય બેઠક માત્ર ઔપચારિક મિલન નહીં, પરંતુ વિરોધીઓ માટે ચેતવણી સમાન શક્તિ પ્રદર્શન સાબિત થઈ હતી. જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં સંગઠનના નવા રક્ત અને અનુભવી નેતાઓએ એકસૂરે ભવ્ય વિજયનો સંકલ્પ દોહરાવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાની વિશેષ ઉપસ્થિતિમાં સંગઠન અને સત્તા વચ્ચેના મજબૂત સમન્વયના દર્શન થયા હતા.
બેઠકનો મુખ્ય સૂર આગામી જિલ્લા પંચાયત, ૯ તાલુકા પંચાયત અને ૪ નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાવવાનો હતો. જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ ધારદાર સંબોધન કરતા તમામ હોદ્દેદારો અને કાર્યકરોને આહ્વાન કર્યું હતું કે, આ વખતે આપણે માત્ર જીતવાનું નથી, પણ ૨૦૨૧ના રેકોર્ડને તોડીને ઐતિહાસિક બહુમતી હાંસલ કરવાની છે. નવા નિમાયેલા મહામંત્રીઓ, ઉપપ્રમુખો અને તમામ ૧૪ મંડળોના પ્રમુખોને અત્યારથી જ ચૂંટણી મોડ’માં આવી જઈ, સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા આદેશ કરાયા છે. સંગઠનને પાયાના સ્તરેથી વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટે આ સંયુક્ત બેઠકમાં ગહન મનોમંથન કરવામાં આવ્યું હતું.
ચૂંટણીલક્ષી વ્યૂહરચનાની સાથે સાથે આગામી હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમો અંગે પણ આ બેઠકમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને, શુક્રવારે નેત્રંગ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાનારા કાર્યક્રમ અને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરૂચ પ્રવાસને લઈને વહીવટી અને સંગઠનાત્મક તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ભાજપની આ આક્રમક રણનીતિ અને કાર્યકરોનો ઉત્સાહ જોતા સ્પષ્ટ જણાય છે કે પક્ષ આગામી ચૂંટણીઓમાં વિરોધીઓ સામે કોઈ પણ મોરચે કચાશ રાખવા માંગતો નથી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com