Geo Gujarat News

અંકલેશ્વર: દુલ્હન શોધવા આવેલા બનાસકાંઠાના યુવકો પોલીસને શરણે, મધ્યસ્થીના ભરોસે ખેલાયો લાખોનો છેતરપિંડીનો ખેલ.

અંકલેશ્વરની કહેવાતી લૂંટેરી દુલ્હન ગેંગે બનાસકાંઠાના ભોળા પરિવારોને નિશાન બનાવીને જે રીતે છેતરપિંડીનું જાળ બિછાવ્યું છે, તે જાણીને ભલભલાના હોશ ઉડી જાય તેમ છે. અંકલેશ્વરના અંદાડા, છાપરા અને કાંસીયા ગામની યુવતીઓને આગળ ધરીને આ ગેંગે એક-બે નહીં, પણ ત્રણ-ત્રણ નવપરિણીત યુવકોના અરમાનો પર પાણી ફેરવી દીધું છે. લગ્નના પવિત્ર બંધનને નાણાં કમાવવાનું હથિયાર બનાવી આ ગેંગે બનાસકાંઠામાં જાણે લૂંટનો મેળો યોજ્યો હોય તેમ ત્રણ લગ્ન કરાવ્યા અને માત્ર ત્રણ-ચાર દિવસમાં જ દુલ્હનો કિંમતી ઘરેણાં અને રોકડ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. જ્યારે છેતરાયેલા યુવકો પોતાની પત્નીઓને શોધતા શોધતા અંકલેશ્વર પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે તેઓ જેમને જીવનસંગિની માની રહ્યા હતા, તે તો રીતસરની લૂંટારુ ટોળકીની સભ્ય હતી. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બનાસકાંઠાના ગોકુળ પ્રજાપતિ સહિત ચાર પીડિતોએ હિંમત ભેગી કરીને અંકલેશ્વર પોલીસ મથકના દરવાજા ખખડાવ્યા. ગોકુળભાઈના જણાવ્યા અનુસાર, તેમના સાળાના લગ્ન અંદાડા ગામની એક યુવતી સાથે મધ્યસ્થી ગોવિંદભાઈ ઉર્ફે લવધણના સંપર્કથી કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ આ નવવધૂ સાસરીમાં માત્ર ચાર દિવસ રોકાઈ અને ત્યારબાદ કોઈનું મોત થયું છે. તેવું ખોટું બહાનું બતાવી અંકલેશ્વર પરત આવી ગઈ હતી. ત્યારપછી તે ક્યારેય પાછી ફરી નથી. આ કોઈ એકલ-દોકલ કિસ્સો નથી, પણ એક પદ્ધતિસરનું રેકેટ છે જેમાં લગ્નના નામે મોટી રકમ ખંખેરી લેવામાં આવે છે અને પછી દુલ્હન ગાયબ થઈ જાય છે.હાલ તો છેતરાયેલા વરરાજાઓ અને તેમના પરિવારોએ અંકલેશ્વર પોલીસ મથકે ધામા નાખ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે લગ્ન જેવી સામાજિક વ્યવસ્થામાં પણ ‘સાવચેતી’ કેટલી અનિવાર્ય છે. પત્નીને લેવા આવેલા યુવકોને જ્યારે સત્યની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોલીસ હવે આ લૂંટેરી દુલ્હનો અને તેમના પડદા પાછળના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે તપાસનો ચક્રવ્યૂહ રચી રહી છે. પંથકમાં આ ઘટના ટોક-ઓફ-ધ-ટાઉન બની છે અને લોકો હવે અજાણ્યા લોકો દ્વારા થતા લગ્ન સંબંધોથી ડરી રહ્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.