ભરૂચ નગર સેવાસદનની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે મળેલી અંતિમ સામાન્ય સભામાં શાસક પક્ષે વિકાસના વાયદાઓ સાથેનું ભવ્ય બજેટ રજૂ કરીને ચૂંટણીલક્ષી રણનીતિના સ્પષ્ટ સંકેતો આપી દીધા છે. નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ ૨૩૫.૧૦ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટમાં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે ૧૯૭.૩૮ કરોડના અંદાજિત ખર્ચ સામે ૩૭.૭૧ કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે, જે પાલિકાની આર્થિક સધ્ધરતાનો ચિતાર આપે છે. ચૂંટણીના વર્ષમાં જનતાને નારાજ ન કરવાના વ્યૂહ સાથે શાસક ભાજપે કોઈપણ નવા કરવેરાનો બોજ લાદવાનું ટાળીને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે.
બજેટની મુખ્ય વિશેષતાઓમાં શહેરના આધુનિકીકરણ અને આઉટગ્રોથ વિસ્તારોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ભરૂચને હરિયાળું અને આધુનિક બનાવવા માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અત્યાધુનિક મોડેલ શાળા, આઇકોનિક રોડ્સ અને ટાઉનહોલના નિર્માણ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઐતિહાસિક રતન તળાવનું બ્યુટિફિકેશન અને શહેરના મુખ્ય સર્કલોનું નવીનીકરણ કરીને ભરૂચનું નવું કલેવર તૈયાર કરવાની યોજના બજેટમાં કેન્દ્રસ્થાને રહી છે. ગત વર્ષના ₹૨૦૬ કરોડના બજેટ કરતા આ વખતે વ્યાપ વધારીને વિકાસની ક્ષિતિજો વિસ્તારવાનો પ્રયાસ થયો છે.
જોકે, વિકાસના આ દાવાઓ વચ્ચે વિરોધ પક્ષ કોંગ્રેસે સભામાં આક્રમક તેવર બતાવ્યા હતા. વિપક્ષી નેતા સમસાદઅલી સૈયદ અને તેમના સભ્યોએ ભાજપના શાસકો પર આકરા પ્રહાર કરતા આ બજેટને જૂના દારૂને નવી બોટલમાં જેવું ગણાવ્યું હતું. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે બજેટમાં દર્શાવેલા મોટાભાગના પ્રોજેક્ટ્સ ૨૦-૨૦ વર્ષ જૂના છે, જે માત્ર કાગળ પર જ રહી ગયા છે. આ ઉપરાંત, શહેરમાં ડોર-ટુ-ડોર કચરો ઉઠાવવાની નબળી કામગીરી અને ગંદકીના મુદ્દે વિરોધ પક્ષે હોબાળો મચાવ્યો હતો. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચેની ઉગ્ર બોલાચાલી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે અંતે બહુમતીના જોરે બજેટને આખરી મંજૂરીની મહોર મારી દેવામાં આવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com