Geo Gujarat News

ભરૂચના ઔદ્યોગિક ગઢમાં એનર્જી ક્રાઈસિસ, LNG ના ભાવ વધતા ઉત્પાદન ઠપ્પ, સરકાર પાસે મદદની પોકાર.

મિડલ ઈસ્ટમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓની સીધી અને માઠી અસર હવે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ અંકલેશ્વર અને પાનોલી સુધી પહોંચી છે. વૈશ્વિક સ્તરે ઉભી થયેલી એનર્જી કટોકટીએ સ્થાનિક ઉદ્યોગોના રસોડા ઠારી દીધા છે. LNG અને LPG ગેસના આસમાને પહોંચેલા ભાવ અને અનિશ્ચિત સપ્લાયને કારણે ઉદ્યોગોમાં ચાલતી કામદારોની કેન્ટીનો પર તાળાં લટકવાની નોબત આવી છે. હજારો શ્રમિકોના જઠરાગ્નિ ઠારવા માટે હવે ઉદ્યોગકારોએ ભારે મથામણ કરવી પડી રહી છે, જેના કારણે ઔદ્યોગિક શાંતિ ડહોળાઈ રહી છે
.
વર્તમાન સ્થિતિ એટલી વિકટ છે કે LPG ગેસ પર નિર્ભર અંદાજે ૪૦ ટકા જેટલા નાના-મોટા ઉદ્યોગો અત્યારે જ મરણપથારીએ છે અથવા બંધ હાલતમાં છે. હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ બાદ હવે ઔદ્યોગિક કેન્ટીનો પ્રભાવિત થતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. જો કામદારોને સમયસર અને યોગ્ય ભોજન નહીં મળે, તો તેઓ સામૂહિક રીતે વતન તરફ હિજરત કરી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. જો આવું થશે, તો આગામી દિવસોમાં ઉદ્યોગોમાં ‘મેન પાવર’ની મોટી કટોકટી સર્જાશે અને ઉત્પાદન સાંકળ ખોરવાઈ જશે, જેની સીધી અસર અર્થતંત્ર પર પડશે.

સ્થાનિક ઉદ્યોગકારોએ સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ આ મામલે તાકીદે હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠાવી છે. ઉદ્યોગોનું ચક્ર ચાલુ રાખવા માટે LNG અને LPG ગેસનો સપ્લાય પ્રાથમિકતાના ધોરણે સુનિશ્ચિત કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે. માત્ર નફા-નુકસાનનો જ નહીં, પણ હજારો પરિવારોના રોટલાનો પ્રશ્ન હોવાથી જો વહેલી તકે અસરકારક નિરાકરણ નહીં આવે, તો ભરૂચના ઔદ્યોગિક વિસ્તારોમાં મોટી બેરોજગારી અને આર્થિક મંદીનું મોજું ફરી વળવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.