ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. એક ૧૭ વર્ષીય સગીર વયની બાળકીને પ્રેમજાળમાં ફસાવી અથવા લાલચ આપી ઘરેથી ભગાવી ગયા બાદ એક ૨૨ વર્ષીય નરાધમે તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ ગંભીર ગુનામાં કાવી પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મુખ્ય આરોપી અને તેને મદદ કરનાર શખ્સ એમ બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બનાવની વિગતો મુજબ, ૨૨ વર્ષીય શખ્સે સગીરાનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગંભીરતા દાખવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. કાવી પોલીસે ગણતરીના કલાકોમાં જ લોકેશન ટ્રેસ કરી આરોપી અને તેના સાથીદારને દબોચી લીધા હતા.

પોલીસ દ્વારા આ નરાધમ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની દુષ્કર્મ, અપહરણ તેમજ કડક ગણાતી પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સગીરાને ન્યાય અપાવવા માટે આગળની તપાસ તેજ કરી છે. સમાજમાં વધતા જતા આવા કિસ્સાઓ વચ્ચે કાવી પોલીસની આ ઝડપી કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com