Geo Gujarat News

કચ્છ: શિપિંગ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ, કંડલા પોર્ટે રચ્યો ઈતિહાસ, રેકોર્ડબ્રેક કાર્ગો હેન્ડલિંગ સાથે વેપારીઓનો વિશ્વાસ જીત્યો.

કચ્છ જિલ્લામાં સ્થિત દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ શિપિંગ ક્ષેત્રે એક નવો ઈતિહાસ રચીને ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કંડલા પોર્ટે ચાલુ નાણાકીય વર્ષમાં ૧૫૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનો આંકડો પાર કરીને એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. આ સફળતા સાથે કંડલા પોર્ટ દેશના અગ્રણી બંદરોમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખી રહ્યું છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ બાદ પોર્ટના અધ્યક્ષ સુશિલ કુમાર સિંહની અધ્યક્ષતામાં એક વિશેષ ટ્રેડ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેડ મીટમાં વિવિધ વેપારીઓ, શિપિંગ એજન્ટો અને અન્ય સ્ટેકહોલ્ડર્સ સાથે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન અધ્યક્ષે તમામ સ્ટેકહોલ્ડર્સના સહયોગની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વેપારીઓના સતત વિશ્વાસ અને પોર્ટની આધુનિક સુવિધાઓને કારણે જ આ રેકોર્ડ હાંસલ કરવો શક્ય બન્યો છે. આ તકે સ્ટેકહોલ્ડર્સ દ્વારા પોર્ટની કાર્યક્ષમતા વધારવા અને ભવિષ્યના આયોજનો અંગે પણ ઉપયોગી સૂચનો આપવામાં આવ્યા હતા. કંડલા પોર્ટ આગામી સમયમાં વધુ ઝડપથી વિકાસના પંથે આગળ વધે અને ૧૫૦ મિલિયન ટનથી પણ વધુના નવા લક્ષ્યાંકો હાંસલ કરે તેવા નિર્ધાર સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ સિદ્ધિથી કચ્છ અને સમગ્ર ગુજરાતના આર્થિક વિકાસને પણ નવો વેગ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.