અંકલેશ્વર GIDC પોલીસની ટીમે બાતમીદારોના સચોટ નેટવર્ક અને ત્વરિત કાર્યવાહીના જોરે હથિયારોના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે. ઔદ્યોગિક વસાહતમાં ગુનાખોરી પર લગામ કસવાના અભિયાન હેઠળ, પોલીસે સારંગપુર વિસ્તારમાં લપાઈને બેઠેલા બે શખ્સોને રગ્ગેહાથ દબોચી લીધા છે. ધરપકડ કરાયેલા પંકજ મંડલ નામના શખ્સની તલાશી લેતા તેની પાસેથી એક દેશી તમંચો અને ૪ જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ હથિયાર સપ્લાય કરનાર શિવનંદનકુમારનું નામ ખુલતા, પોલીસે તેની પણ તાત્કાલિક ધરપકડ કરી લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધો છે.
GIDC પોલીસ સ્ટેશનની ટીમે મળેલી ચોક્કસ વિગતોના આધારે સારંગપુરમાં વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી, જેમાં આ બંને નરાધમો પોલીસના સકંજામાં ફસાઈ ગયા હતા. હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી લોખંડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે, આ ઘાતક હથિયારો કયા રાજ્યમાંથી લાવવામાં આવ્યા હતા અને અંકલેશ્વરમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે તો આ હથિયારોનો સોદો નહોતો થયો ને? આ કાર્યવાહીથી ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com