અંકલેશ્વરના વ્યસ્ત ગણાતા પ્રતિન ચોકડી વિસ્તારમાં રખડતા આખલાઓના યુદ્ધે રણમેદાન જેવો માહોલ સર્જી દીધો હતો. બે મમદ આખલાઓ જાહેર માર્ગ પર એકબીજા સાથે એવા બાખડ્યા હતા કે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભરચક ટ્રાફિક વચ્ચે આખલાઓની શીંગડાવાળી લડાઈને કારણે અફરાતફરી મચી ગઈ હતી, પરિણામે લોકોમાં નાસભાગ મચી અને વાહનોના પૈડાં થંભી જતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ભયાનક દ્રશ્યો જોઈને માર્ગ પરથી પસાર થતા લોકોએ જીવના જોખમે રસ્તો પસાર કરવાની નોબત આવી હતી.
આખલાઓને છૂટા પાડવા માટે કેટલાક સાહસિક નાગરિકોએ પ્રયાસો કર્યા હતા, પરંતુ આખલાઓના આક્રોશ સામે બધું જ નિરર્થક સાબિત થયું હતું અને લાંબા સમય સુધી અફરાતફરીનો માહોલ યથાવત રહ્યો હતો. અંકલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ હવે જનતા માટે જીવલેણ બની રહ્યો છે. તંત્ર દ્વારા કાગળ પર ઢોર પકડવાની ગમે તેટલી ગુલબાંગો ફૂંકવામાં આવતી હોય, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે રસ્તાઓ આજે પણ રખડતા પશુઓના હવાલે છે. વહીવટી તંત્રની ઢીલી નીતિ અને સમયાંતરે થતી દેખાડા પૂરતી કામગીરીને કારણે સામાન્ય જનતા રસ્તા પર ચાલતા પણ ડર અનુભવી રહી છે. જો તંત્ર હજી પણ નહીં જાગે, તો રખડતા ઢોરનો આ આતંક કોઈ નિર્દોષનો જીવ લેશે એ નક્કી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com