ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ માટેના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ જે-તે રાજ્યોમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, તમામ રાજ્યોની ભૌગોલિક અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મતદાનના તબક્કા નક્કી કરવામાં આવ્યા છે. દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય તમિલનાડુમાં આગામી 23 એપ્રિલે એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જ્યારે રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા પશ્ચિમ બંગાળમાં આ વખતે બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે હાથ ધરાશે. બીજી તરફ, કેરળ, આસામ અને પુડુચેરી એમ ત્રણેય રાજ્યોમાં આગામી 9 એપ્રિલે એક જ તબક્કામાં મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે. પાંચેય રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમામ બેઠકોની મતગણતરી 4 મે ના રોજ હાથ ધરવામાં આવશે. આ દિવસે જ સ્પષ્ટ થશે કે કયા રાજ્યમાં કયો પક્ષ સત્તાના સિંહાસન પર બિરાજશે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષોએ પ્રચારના મેદાનમાં ઝંપલાવ્યું છે અને મતદારોને રીઝવવા માટેની વ્યૂહરચના તેજ કરી દીધી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com