Geo Gujarat News

અંકલેશ્વર: પાનોલી GIDCમાં ભીષણ આગથી અફરાતફરી, કેમિકલ કંપનીમાં ઉઠ્યા ધુમાડાના ગોટેગોટા, ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ

ઔદ્યોગિક વસાહત પૈકીની એક એવી અંકલેશ્વરની પાનોલી GIDCમાં મંગળવારે વહેલી સવારે એક ખાનગી કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે જોતજોતામાં આખી કંપની ધુમાડાના કાળા વાદળોમાં ઘેરાઈ ગઈ હતી. આકાશમાં ઉંચે સુધી ઉડતા ધુમાડાના ગોટેગોટા જોઈ આસપાસની અન્ય કંપનીઓમાં કામ કરતા શ્રમિકો અને સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો હતો. દુર્ઘટનાના પગલે કંપનીમાં લાગેલા ફાયર એલાર્મ ગુંજી ઉઠતા તકેદારીના ભાગરૂપે મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક અસરથી તમામ કર્મચારીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સદનસીબે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી અને તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.આગની જાણ થતા જ પાનોલી અને અંકલેશ્વરના ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ પર કાબૂ મેળવવા માટે વોટર કેનન અને ફોમનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ કેમિકલના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું અનુમાન છે. હાલમાં ફાયર વિભાગની ટીમો આગને વધુ પ્રસરતી અટકાવવા માટે કૂલિંગ ઓપરેશન સાથે ભારે જહેમત ઉઠાવી રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ પંચનામું કરી નુકસાની અને કારણોની સત્તાવાર વિગતો મેળવવામાં આવશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.