Geo Gujarat News

અંકલેશ્વરમા માનવતા લજવાઈ: મૂંગા પશુ પર એસિડ એટેકની ક્રૂરતા, પીડાથી કણસતા આખલાની વહારે આવ્યા જીવદયા પ્રેમીઓ

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના GIDC વિસ્તારમાં રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા પાષાણ હૃદયના શખ્સે રસ્તા પરથી પસાર થતા એક નિર્દોષ આખલા પર એસિડ ફેંકતા પશુ ગંભીર રીતે દાઝી ગયું હતું. એસિડની તીવ્રતા એટલી વધારે હતી કે આખલો અસહ્ય પીડાને કારણે રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો અને મોતના મુખમાં ધકેલાયો હતો. મૂંગા પશુની આવી દયનીય સ્થિતિ જોઈ સ્થાનિક રહીશોના કાળજા કંપી ઉઠ્યા હતા. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વરના જીવદયા પ્રેમીઓ અને પશુ ચિકિત્સકોની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવી હતી. પશુ ચિકિત્સકોએ જોયું કે એસિડને કારણે આખલાના શરીરના અંગો ગંભીર રીતે ઝુલસી ગયા હતા. ટીમ દ્વારા યુદ્ધના ધોરણે પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી અને તેને જરૂરી દવાઓ તેમજ ડ્રેસિંગ આપી પીડામાં રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.હાલ આ આખલાને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે અને તેની સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર અંકલેશ્વર પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જે મૂંગું પશુ કોઈને નુકસાન પહોંચાડતું નથી, તેના પર આટલી હદ સુધીની ક્રૂરતા આચરનાર વિકૃત માનસિકતા ધરાવતો શખ્સ કોણ છે? જીવદયા કાર્યકર્તાઓ અને રહીશોએ માંગ કરી છે કે પોલીસ આ વિસ્તારના CCTV ફૂટેજ તપાસે અને આ અમાનવીય કૃત્ય કરનાર નરાધમને ઝડપી પાડી તેની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે. પ્રાણીઓ પર થતા આવા અત્યાચાર સામે સમાજે જાગૃત થવાની જરૂર હોવાનું પણ જીવદયા પ્રેમીઓએ જણાવ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.