Geo Gujarat News

આમોદ નગરપાલિકામાં સત્તાનો સૂર્યાસ્ત, પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થતા જ તંત્રનો વહીવટ, ચેમ્બરો સીલ કરી દેવાયા

આમોદ નગરના રાજકારણમાં આજે એક મોટો વહીવટી ભૂકંપ જોવા મળ્યો છે. આમોદ નગરપાલિકાના શાસિત બોર્ડના પદાધિકારીઓની નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યું હતું. મુખ્ય અધિકારી દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે પાલિકા પરિસરમાં સોપો પડી ગયો છે. લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સત્તાનો અંત આવતા જ તંત્રએ પ્રમુખ, કારોબારી ચેરમેન અને વિપક્ષી નેતાના ચેમ્બરો પર સીલ મારીને સંપૂર્ણ તાળાબંધી કરી દીધી છે. આ કાર્યવાહી માત્ર તાળાબંધી સુધી સીમિત ન રહેતા, કારોબારી ચેરમેનના ચેમ્બર બહારથી તેમનું નામ અને પદનું બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યું છે, જે સત્તા પરિવર્તનનો સૌથી મોટો અને કડક સંકેત ગણાય રહ્યો છે.

આ પ્રક્રિયાએ નગરના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. જોકે સામાન્ય રીતે ટર્મ પૂર્ણ થતા સત્તાનું હસ્તાંતરણ થતું હોય છે. તેવીજ રીતે હાલમાં આમોદ નગરપાલિકાનો વહીવટ પણ સંપૂર્ણપણે સરકારી બાબુઓના હસ્તક થઈ ચૂક્યો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભૂમિકા એકાએક અસ્તિત્વહીન બની ગઈ છે. તંત્રના આ સ્ટ્રાઈક મોડને જોઈને નગરજનોમાં એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે, શું આગામી સમયમાં પાલિકાના જૂના વહીવટો અને નિર્ણયોની પણ ઝીણવટભરી તપાસ થશે? હાલ તો, આમોદ પાલિકાના દરવાજે લાગેલા સીલ શહેરના આગામી રાજકીય ગણિતોમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે તેમ છે.

આમોદ નગરપાલિકામાં ટર્મ પૂર્ણ થયા બાદ ઉભા થયેલા વહીવટી પ્રશ્નો અને સભાઓની અનિશ્ચિતતા વચ્ચે હવે શહેરના જાગૃત નાગરિકોમાં એક નવી અને મહત્વપૂર્ણ અપેક્ષા જાગી છે. નગરજનો હવે ઈચ્છી રહ્યા છે કે ભવિષ્યમાં પાલિકાનો વહીવટ માત્ર કાગળ પર જ નહીં, પરંતુ વાસ્તવિકતામાં પણ મજબૂત બોડી એટલે કે સક્ષમ અને પારદર્શક ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં આવે. લોકોનો મતે, જેવી રીતે વ્યક્તિ સુદ્રઢ શરીર માટે નિયમિતતા અને શિસ્ત રાખે છે, તેવી જ રીતે નગરના વિકાસ માટે એક સક્રિય અને નિયમપાલન કરતી ચૂંટાયેલી બોડી હોવી અનિવાર્ય છે. ભૂતકાળમાં સભાઓને લઈને ઊભા થયેલા વિવાદો ફરી ન વકરે અને ત્રિમાસિક બેઠકો, બજેટ તેમજ લોકસુવિધાના નિર્ણયો સમયસર લેવાય, તે માટે આગામી સમયમાં એક સારી અને મજબૂત શાસક પાંખની રચના થાય તેની નગરજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

યાસીન દિવાન, આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.