વહિયાલમાં 4 વર્ષીય બાળકે રોજો પૂર્ણ કરી સૌને આશ્ચર્યચકિત કર્યા : હાલ મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે વાગરા તાલુકાના વહિયાલ ગામમાંથી ઇમાન અને આસ્થાનું એક અત્યંત સુંદર અને પ્રેરણાદાયી ઉદાહરણ સામે આવ્યું છે. ગામના માત્ર 4 વર્ષના માસૂમ બાળકે કાળઝાળ ગરમી વચ્ચે પણ અડગ મનોબળ સાથે પોતાનો જીવનનો પ્રથમ રોજો પૂર્ણ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ નાનકડી વયે ધર્મ પ્રત્યેની આવી નિષ્ઠા જોઈને પરિવાર સહિત સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વહિયાલ ગામના વતની મહંમદ મલેકનો માત્ર ચાર વર્ષનો પુત્ર આરીશ મહંમદ મલેક આ વર્ષે પવિત્ર રમઝાન માસમાં રોજો રાખવા માટે આતુર હતો. જોકે તેની વય અત્યંત નાની હોવા છતાં, તેણે પોતાના અડગ નિર્ણય અને મનોબળથી સેહરીથી લઈને ઇફતાર સુધી કઈ પણ ખાધા-પીધા વગર રોજો રાખ્યો હતો. દિવસ દરમિયાનની ગરમી અને તરસ સામે લડીને આ માસૂમે પાંચ વખતની નમાઝ પણ અદા કરી હતી.

કાળઝાળ ગરમીમાં માસુમ બાળકે અડગ રહી રોજો પાળ્યો : સાંજે ઇફતારના સમયે પોતાનો પ્રથમ રોજો પૂર્ણ કરતાની સાથે જ આરીશે સૌપ્રથમ અલ્લાહની બારગાહમાં હાથ ઉઠાવીને સૌના માટે દુઆ માંગી હતી. આ ખુશીના પ્રસંગે પરિવારજનો દ્વારા આરીશને ફૂલહાર પહેરાવી, કપાળે બોમી અને શાબાશી આપીને તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘરના વડીલો અને સંબંધીઓએ આ માસૂમ બાળકના ઇમાન અને હિંમતને બિરદાવી તેને દુઆઓ અને આશીર્વાદ આપ્યા હતા. ચાર વર્ષના આરીશે રોજો પૂર્ણ કરીને એ સાબિત કરી બતાવ્યું છે કે ઈશ્વર પરની આસ્થા અને મજબૂત ઈચ્છાશક્તિ હોય તો કોઈ પણ કાર્ય અશક્ય નથી. આ ઘટના સમગ્ર વાગરા પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને સૌ કોઈ આ માસૂમ બાળકની પ્રશંસા કરી રહ્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com