Geo Gujarat News

આમોદ: રોંધ ગામમાં વીજ કંપનીની મિલકત પર તરાપ, હજારોની કિમતના વાયરની ચોરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી

DGVCL ની મિલકત પર તસ્કરોની તરાપ: રોંધ ગામની સીમમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ : આમોદ તાલુકામાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા વીજ કંપનીની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવ્યા છે. રોંધ ગામની સીમમાં સ્મશાન નજીક જેવી નિર્જન જગ્યાનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સોએ આયોજનબદ્ધ રીતે ૧૧ કેવીની હાઈ વોલ્ટેજ લાઇન પર હાથફેરો કર્યો છે. આમોદ સબ ડિવિઝન હેઠળ આવતા નિણમ એ.જી ફીડરમાંથી થયેલી આ ચોરીમાં તસ્કરો કોઈ પણ જાતના ડર વગર જાહેર મિલકતને નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયા છે. આ ઘટનાની વિગતો જોતા એવું લાગે છે કે તસ્કરો આ વિસ્તારથી પૂરેપૂરા વાકેફ હતા. તેઓએ અંદાજે ૨૭૩૦ મીટર લાંબો એલ્યુમિનિયમનો વાયર કાપી લીધો હતો, જેનું વજન આશરે ૪૦૪ કિલોગ્રામ જેટલું થવા જાય છે. ખેડૂત કિરણ ઠાકોરના ફોન દ્વારા જ્યારે અધિકારીને આ બનાવની જાણ થઈ ત્યારે સ્ટાફે સ્થળ તપાસ કરી હતી, જેમાં માલૂમ પડ્યું હતું કે અંદાજે ૫૬,૫૩૦ ની કિંમતના વાયરની ચોરી થઈ છે. આટલી મોટી માત્રામાં વાયર ઉતારવા માટે તસ્કરોએ ચોક્કસપણે પૂર્વ આયોજન કર્યું હોવાની શક્યતા છે.
વીજ વાયરની ચોરીના એક મહિના બાદ નોંધાઈ ફરિયાદ! સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, આટલી ગંભીર ઘટના બન્યા હોવા છતાં અને વીજ કંપનીને મોટું નુકસાન થયું હોવા છતાં, કાયદાકીય પ્રક્રિયાના નામે એક મહિના સુધી કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી. ઉચ્ચ અધિકારીઓની મંજૂરીની રાહમાં થયેલા આ વિલંબે તસ્કરોને છૂટો દોર આપ્યો હોય તેવું જણાય છે. અંતે, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના નાયબ ઈજનેર વિમલેશ પટેલ દ્વારા આમોદ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ રીઢા ગુનેગારોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.

યાસીન દિવાન, આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.