Geo Gujarat News

ભરૂચમાં આગામી તહેવારો પૂર્વે ખમીર અને ખુશીનો સંગમ, પોલીસ અને નગરજનો વચ્ચે યોજાઈ સંયુક્ત શાંતિ બેઠક

ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં આવતા રામનવમી અને રમઝાન ઈદ જેવા પવિત્ર તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. શહેરના એ-ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી સી.કે. પટેલની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરના એ, બી અને સી ત્રણેય ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સમાજ શ્રેષ્ઠીઓ અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ડીવાયએસપી સી.કે. પટેલે ઉપસ્થિત આગેવાનોને સંબોધતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, તહેવારો એ આનંદ અને સૌહાર્દનું પ્રતીક છે. તેમણે ખાસ કરીને સોશિયલ મીડિયાના યુગમાં ફેલાતી પાયાવિહોણી અફવાઓથી સાવધ રહેવા અને કોઈપણ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિમાં ન જોડાવા તાકીદ કરી હતી. પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના પાસાઓને ધ્યાને રાખીને અત્યારથી જ એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે, જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સતત પેટ્રોલિંગનો સમાવેશ થાય છે. ડીવાયએસપીએ ઉમેર્યું હતું કે, જો નાગરિકોને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો જેથી કોઈ અનિચ્છનીય ઘટનાને અટકાવી શકાય.આ સંવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર્સ ડેનિશ ક્રિશ્ચિયન (એ-ડિવિઝન), મયૂર રાઠોડ (બી-ડિવિઝન) અને એન.આર. ચૌધરી (સી-ડિવિઝન) પણ જોડાયા હતા અને સ્થાનિક સ્તરે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ, હિન્દુ-મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓએ પણ પોલીસ પ્રશાસનને ખાતરી આપી હતી કે ભરૂચ હંમેશા તેની એકતા માટે જાણીતું રહ્યું છે અને આ વર્ષે પણ બંને કોમના તહેવારો પરસ્પર આદર અને ઉમંગ સાથે ઉજવવામાં આવશે. બેઠકના અંતે તમામ સભ્યોએ શાંતિ અને ભાઈચારાની જ્યોત જલતી રાખવા માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.