વાગરા BOB બની વગદારોની બેંક? તહેવાર ટાણે જનતાને કાગડા મોટા વેપારીઓ અને માથાભારે તત્વો પર બેંક સાહેબોની અસીમ કૃપા?: આગામી પવિત્ર રમજાન ઈદના તહેવારને લઈને જ્યારે મુસ્લિમ બિરાદરો અને સામાન્ય નાગરિકો 10, 20 અને 50ની નવી ફ્રેશ નોટો માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે વાગરાની બેંક ઓફ બરોડા વિવાદોના ઘેરામાં આવી છે. બેંકમાં જાહેરમાં જ વહાલા-દવલાની નીતિ ચાલતી હોવાની વ્યાપક લોકબૂમો ઉઠી છે. આક્ષેપ છે કે બેંક મેનેજર અને સ્ટાફ દ્વારા સામાન્ય ગ્રાહકોને નવી નોટો ઉપરથી આવી જ નથી કહીને ધક્કે ચઢાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ સત્તા અને વગ ધરાવતા મળતિયાઓને પાછલા બારણેથી ઠેલા ભરીને નવી નોટોની લહાણી કરવામાં આવી રહી હોવાની બૂમો ઉઠવા પામી છે. બેંકના આ પક્ષપાતી વલણને કારણે રોષે ભરાયેલા નાગરિકો અને બેંક કર્મીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાય રહ્યા છે. ગ્રાહકોનો ગંભીર આક્ષેપ છે કે બેંક તંત્ર મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને કેટલાક માથાભારે તત્વોની ગુલામી કરી રહ્યું છે. જેમના ખાતા મોટા છે. અથવા જેમની વગ વધારે છે, તેમને ખોબે-ખોબે નવી ફ્રેશ નોટો પીરસવામાં આવે છે, જ્યારે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા મધ્યમ અને ગરીબ વર્ગના નાગરિકોને અપમાનિત થઈને ખાલી હાથે પરત ફરવું પડે છે. તહેવારના સમયે જ બેંકના જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવતી આ કાળાબજારી અને ભેદભાવભર્યું વર્તન હવે જનતાના ધૈર્યની કસોટી કરી રહ્યું છે. જો બેંક મેનેજર પોતાની આ મનસ્વી નીતિ નહીં સુધારે તો આગામી દિવસોમાં આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત અને ઉગ્ર આંદોલન થાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. આ ઘટનાની માહિતી મેળવવા જ્યારે BOB ના મેનેજરનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરાતા તેઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.
તહેવાર બદલાય છે, પણ વાગરા BOBની દાનત નથી બદલાતી! વાગરાની બેંક ઓફ બરોડામાં દર તહેવારે ઉઠતી આ લોકબૂમો હવે કોઈ નવી નવાઈની વાત રહી નથી, પરંતુ બેંક તંત્રની વર્ષો જૂની પરંપરા બની ગઈ હોય તેમ લાગે છે. દર વર્ષે દિવાળી હોય કે ઈદ, જ્યારે પણ નવી નોટોની માંગ વધે છે, ત્યારે બેંકના ધારાધોરણો જાણે માત્ર સામાન્ય જનતા માટે જ કડક બની જાય છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે આ કોઈ પહેલી વારની ઘટના નથી. દર વખતે તહેવાર ટાણે મધ્યમ વર્ગના માણસને સ્ટોક નથી કહીને અપમાનિત કરવામાં આવે છે, જ્યારે પડદા પાછળ માનીતા વેપારીઓ અને વગદારો માટે બેંકના તિજોરીના દ્વાર હરહંમેશ ખુલ્લા રહે છે. સવાલ એ થાય છે કે શું ઉચ્ચ અધિકારીઓ આ વારંવાર ઉઠતી બૂમોથી અજાણ છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરી ભ્રષ્ટ નીતિને પ્રોત્સાહન આપી રહ્યા છે? જનતામાં હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે જો તંત્ર દર વખતે આ જ ખેલ ખેલવાનું હોય, તો સામાન્ય નાગરિકે ન્યાય માટે હવે કયા દરવાજા ખખડાવવા?
શું કમિશનના ખેલમાં જનતાનો હક છીનવાઈ રહ્યો છે? વાગરા BOBના વહીવટ સામે સળગતા સવાલો!: વાગરા બેંક ઓફ બરોડામાં નવી નોટોના વિતરણને લઈને હવે સ્થાનિકોમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, શું બેંકના કેટલાક કર્મીઓ વધારે રૂપિયા કે કમિશન લઈને મોટા માથાઓને બેફામ રીતે નવી નોટો પીરસી રહ્યા છે? જનતામાં સવાલ ઉઠી રહ્યા છે કે જો નવી નોટોનો સ્ટોક મર્યાદિત હોય, તો પછી અમુક ચોક્કસ વેપારીઓ અને લાગવગ ધરાવતા લોકો પાસે નવી ફ્રેશ નોટોના બંડલો ક્યાંથી પહોંચે છે? શું સામાન્ય નાગરિકોના ભાગે આવતી નવી નોટોને અંગત સ્વાર્થ ખાતર પાછલા બારણેથી વટાવવામાં આવી રહી છે? આ આક્ષેપો જો સાચા હોય, તો તે બેંકિંગ નૈતિકતાનું ઘોર ઉલ્લંઘન છે. લોકો હવે ખુલ્લેઆમ પૂછી રહ્યા છે કે બેંક તિજોરીના આ ખાનગી વહીવટ પાછળ કોના આશીર્વાદ છે? આ રહસ્યમય વિતરણ વ્યવસ્થાની તટસ્થ તપાસ થાય તો અનેક મોટા માથાઓના ચહેરા પરથી નકાબ ઉતરી શકે તેમ છે.
નોટબંધીના કાળા ઈતિહાસનું પુનરાવર્તન, વાગરા BOBમાં જૂની આદત હજુય યથાવત!: વાગરા બેંક ઓફ બરોડાના વહીવટ સામે ઉઠતો આ જનરોષ માત્ર આજનો નથી, પણ વર્ષોથી ચાલી આવતી કથિત ગેરરીતિઓનું પરિણામ છે. સ્થાનિકો ભારે આક્રોશ સાથે યાદ અપાવી રહ્યા છે કે, વર્ષ 2016ની ઐતિહાસિક નોટબંધી વેળાએ પણ આ બેંકમાં આ જ પ્રકારનો વહાલા-દવલાનો ખેલ ખેલાયો હતો. એ સમયે જ્યારે આખો દેશ અને સામાન્ય નાગરિકો પોતાની જ પરસેવાની કમાણીના થોડાક રૂપિયા બદલાવવા માટે કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાંબી કતારોમાં ઉભા રહેતા હતા, ત્યારે પણ આ બેંકના મળતિયાઓ અને માથાભારે તત્વો પાછલા બારણેથી સેટિંગ કરીને ઠેલા ભરીને નવી નોટો ઘરે લઈ જતા હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. આજે વર્ષો વીતી ગયા છતાં, બેંકના વહીવટમાં કોઈ સુધારો દેખાયો નથી. તહેવાર ગમે તે હોય, પણ સામાન્ય માણસ માટે બેંકના દરવાજે માત્ર નો સ્ટોકના પાટિયા જ નસીબમાં હોય તેમ જણાય છે. બેંક તંત્રની આ જૂની અને જાણીતી પધ્ધતિ હવે સામાન્ય જનતાના સહનશક્તિની હદ વટાવી રહી છે.
માત્ર આક્ષેપો નહીં, હવે પારદર્શક વહીવટની જરૂર, શું બેંક તંત્ર જનતાનો વિશ્વાસ જીતી શકશે? વાગરા BOB માં વર્ષોથી ચાલી આવતી આ વહાલા-દવલાની નીતિનો અંત લાવવા માટે હવે માત્ર શાબ્દિક વિરોધ પૂરતો નથી, પરંતુ બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક દખલગીરી અનિવાર્ય છે. સમાધાનના ભાગરૂપે, બેંકમાં નવી નોટોના વિતરણ માટે પારદર્શક રજિસ્ટર પદ્ધતિ અમલમાં મૂકવી જોઈએ, જેમાં કયા ગ્રાહકને કેટલી નવી નોટો આપવામાં આવી તેની વિગતવાર નોંધ હોવી જોઈએ. આ ઉપરાંત, તહેવારના દિવસોમાં વિતરણ વ્યવસ્થા CCTV ના કડક નિરીક્ષણ હેઠળ થવી જોઈએ જેથી પાછલા બારણે થતા વહીવટ પર રોક લગાવી શકાય. જો બેંક મેનેજર ખરેખર નિષ્પક્ષ હોય, તો તેમણે ટોકન સિસ્ટમ દ્વારા વહેલા તે પહેલાના ધોરણે સામાન્ય નાગરિકોને નવી નોટોની ફાળવણી કરવી જોઈએ. જો આગામી દિવસોમાં પણ તંત્ર આ મામલે આંખ આડા કાન કરશે, તો સજાગ નાગરિકોએ બેંકના રિજિયોનલ ઓફિસમાં લેખિત ફરિયાદ કરી વિજિલન્સ તપાસની માંગ કરવી જોઈએ, જેથી સામાન્ય માણસના હકની નોટો વગદારોના ઠેલામાં જતી અટકે.

આ પણ વાંચો : શું BOB વાગરામાં કાયદો વ્યવસ્થા જોખમાશે?
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com