ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાંજના સમયે ફૂંકાયેલા ભારે પવનને કારણે સમગ્ર પંથક રીતસરનો ધમરોળાયો હતો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્રશ્યતા ઘટવાને કારણે થોડા સમય માટે જનજીવન પ્રભાવિત થયું હતું. પવનના કારણે થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાઇ જતા અંધારપટ છવાઈ ગયો હતો. પવનના આ પ્રકોપને કારણે વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક અસર જોવા મળી છે.
જોરદાર ફૂંકાયેલા પવનને લીધે અનેક કાચા મકાનો અને વંઢાઓ પર મારેલા પતરા ઉડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગ્રામીણ જનતામાં આ અચાનક આવેલા વાવાઝોડા જેવા માહોલને કારણે ફાળ પડી હતી. જોકે, પવનના તોફાન બાદ વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી હતી અને આકાશમાંથી અમી છાંટણા શરૂ થયા હતા. ઉનાળાની ગરમી વચ્ચે પવન અને વરસાદી છાંટાના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થયો હતો. એક તરફ પતરા ઉડવાથી નુકસાનનું અનુમાન છે, તો બીજી તરફ વરસાદી છાંટા પડતા અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે.

આ પણ વાંચો: વાગરા પંથક વાવાઝોડામાં ધમરોળાયું, લાખોનું નુકસાન!
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com