Geo Gujarat News

વાગરામાં કુદરતનો કહેર, મિનિ વાવાઝોડાએ સર્જી ભારે તારાજી, સોલાર પ્લેટો હવામાં ફંગોળાઈ અને વૃક્ષો ધરાશાયી

પવનના સૂસવાટા અને તબાહીના દ્રશ્યો, વાગરામાં મિલકતોને ભારે નુકસાન બાદ મેઘરાજાના અમી છાંટા પડ્યા: ભરૂચ જિલ્લાના વાગરા પંથકમાં આજે પ્રકૃતિએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વાતાવરણમાં અચાનક આવેલા પલટા સાથે ફૂંકાયેલા મિનિ વાવાઝોડાએ સમગ્ર પંથકમાં વિનાશક માહોલ સર્જ્યો હતો. પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે અનેક રહેણાંક અને વ્યાવસાયિક એકમો પર લગાવેલી સોલાર પ્લેટો કાગળની જેમ હવામાં ફંગોળાઈ હતી. અનેક સ્થળોએ આ કિંમતી સોલાર પેનલો તૂટીને જમીનદોસ્ત થતા માલિકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કુદરતના આ પ્રકોપ સામે વાગરા પંથક રીતસરનો લાચાર જોવા મળ્યો હતો. પવનના સૂસવાટા સાથે અનેક જગ્યાએ ભારેખમ વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે કેટલાક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. માત્ર મુખ્ય મથક જ નહીં, પરંતુ વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાપક નુકસાનના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં કાચા મકાનોના પતરા ઉડવા સાથે વીજ પોલને પણ નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. આ અચાનક આવેલી આફતને કારણે મિલકતોને ભારે નુકસાન પહોંચ્યું છે અને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પવનના તોફાન બાદ વાતાવરણમાં પલટો આવતા અને અમી છાંટા પડતા ગરમીમાં રાહત તો મળી છે, પરંતુ વાવાઝોડાએ પાછળ છોડેલી તારાજીના દ્રશ્યો જોઈ સ્થાનિકો સ્તબ્ધ છે. હાલમાં તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની અને થયેલા નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.BOB બેંક પાસે શિલ્પી ઓફિસની સોલાર પેનલો સ્ટ્રક્ચર સાથે જમીનદોસ્ત, સદનસીબે મોટી જાનહાનિ ટળી: વાગરા પંથકમાં આજે પ્રકૃતિએ કોપ વર્તાવ્યો હતો, જેનો એક ડરામણો નજારો બેંક ઓફ બરોડાની તદ્દન નજીક આવેલી શિલ્પી ઓફિસ પર જોવા મળ્યો હતો. અહીં ઓફિસની છત પર સ્થાપિત વિશાળ સોલાર પેનલનું આખેઆખું માળખું પ્રચંડ પવનના સૂસવાટામાં કાગળની જેમ હવામાં ઉડીને ધડાકાભેર નીચે ખાબક્યું હતું. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે તેની ભયાનક અસર ઓફિસની પેરાફિટ દીવાલ પર પણ પડી હતી. તે પણ જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાને જોઈને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા, શું આકાશમાંથી વીજળી પડી કે પછી આ પવનનું વિકરાળ સ્વરૂપ છે તે સમજાતું ન હતું. ​ ઉલ્લેખનીય છે કે, જે સ્થળે આ પેનલો અને દીવાલનો કાટમાળ પડ્યો, તે એક અત્યંત વ્યસ્ત રહેવા વાળો વિસ્તાર છે. ત્યાં દિવસ-રાત લોકોની અવરજવર રહેતી હોય છે અને ઘણા વાહનો પણ પાર્ક કરેલા હોય છે. જોકે, જે સમયે આ ઘટના બની, સદનસીબે તે વેળાએ કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર ન હતી, જેના કારણે એક ભયાનક દુર્ઘટના અને સંભવિત જાનહાનિ ટળી હતી. આ એક મોટી રાહતની વાત છે, જો કોઈ ત્યાં હોત તો પરિણામ ખૂબ જ વિનાશક હોઈ શક્યું હોત. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી અને ફફડાટ વ્યાપી ગયો હતો.વાગરા તાલુકા પંચાયત નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહાર ખોરવાયો, જાનહાનિ ટળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ: વાગરા પંથકમાં ફૂંકાયેલા પ્રચંડ પવનના કારણે ઠેર-ઠેર નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વાગરા તાલુકા પંચાયતની કચેરી નજીક એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. પવનના જોરને કારણે વૃક્ષ જમીનમાંથી ઉખડીને માર્ગ પર પડતા વાહનવ્યવહાર પૂરતી રીતે પ્રભાવિત થયો હતો. રસ્તા પર વૃક્ષ આડું પડતા વાહનોની લાંબી કતારો લાગી હતી અને અવરજવરમાં ભારે અવરોધ પેદા થયો હતો. જોકે, રાહતના સમાચાર એ છે કે જ્યારે આ વૃક્ષ પડ્યું ત્યારે ત્યાં કોઈ વાહન કે વ્યક્તિ પસાર થઈ રહ્યા ન હોવાથી કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.શિલ્પી હોટલની સોલાર પેનલો હવામાં ફંગોળાઈ પેટ્રોલ પંપ નજીક ખાબકી, સદનસીબે મોટી જાનહાનિ ટળી: વાગરા પંથકમાં ફૂંકાયેલા વિનાશક પવનને કારણે વધુ એક ભયાનક ઘટના સામે આવી છે. વાગરાની પ્રખ્યાત શિલ્પી હોટલ ખાતે લગાવવામાં આવેલી સોલાર પેનલો પ્રચંડ પવનના વેગમાં કાગળની જેમ હવામાં ફંગોળાઈ હતી. આ પેનલો ઉડીને હોટલની બાજુમાં જ આવેલા પેટ્રોલ પંપ નજીક ધડાકાભેર નીચે પડતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, જે સમયે આ પેનલો નીચે પડી ત્યારે પેટ્રોલ પંપ પર વાહનોની અવરજવર અને લોકોની હાજરી હતી, પરંતુ સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી. કુદરતના આ પ્રકોપ વચ્ચે મોટી જાનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, જોકે અચાનક બનેલી આ ઘટનાને લીધે વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.સાયખા GIDC માં MR ચોકડી પાસે વિશાળ જાહેરાત બોર્ડ ધરાશાયી થઈ માર્ગ પર ખાબક્યું: મિની વાવાઝોડાની અસર ઔદ્યોગિક વસાહત સાયખા GIDC માં પણ જોવા મળી હતી. સાયખા GIDC માં આવેલી વ્યસ્ત MR ચોકડી ખાતે જાહેરાત માટે લગાવેલું એક વિશાળ હોર્ડિંગ બોર્ડ પ્રચંડ પવનના વેગને જીરવી શક્યું ન હતું અને જોતજોતામાં ધરાશાયી થઈ મુખ્ય રોડ પર પડ્યું હતું. આ વિશાળ બોર્ડ રસ્તાની વચ્ચે પડવાને કારણે ટ્રાફિક વ્યવહારમાં ભારે અડચણ ઊભી થઈ હતી. સદનસીબે, બોર્ડ જ્યારે નીચે પડ્યું ત્યારે તેની નીચે કોઈ વાહન કે વ્યક્તિ હાજર ન હોવાથી એક મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી જવા પામી હતી.વાગરાના ગ્રામ્ય પંથકમાં કુદરતનો પ્રકોપ, અનેક સ્થળોએ નુકશાની સર્જાઈ: વાગરા પંથકમાં આજે કુદરતે અણધાર્યું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા માત્ર મુખ્ય મથક જ નહીં, પરંતુ સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં વિનાશક અસરો જોવા મળી હતી. બપોરના સમયે ફૂંકાયેલા પ્રચંડ પવનને કારણે ખેતરો અને કાચા માર્ગો પરથી ભારે ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો રસ્તા પર જ અટવાઈ પડ્યા હતા. પવનના જોરને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અનેક કાચા મકાનોના પતરા કાગળની જેમ હવામાં ફંગોળાયા હતા. આ ઉપરાંત, ખેડૂતોએ ખેતરોમાં સિંચાઈ માટે લગાવેલી મોંઘીદાટ સોલાર પેનલોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. અનેક જગ્યાએ પેનલો સ્ટ્રક્ચર સાથે ઉખડી જતાં ખેડૂતોને લાખોનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ધૂળની ડમરીઓ અને વાવાઝોડાએ સર્જી તારાજી, અંતે મેઘરાજાના અમી છાંટાથી વાતાવરણમાં ઠંડક: ​જોકે, પવનના આ તોફાની તાંડવ બાદ કુદરતે થોડી નરમાશ બતાવતા આકાશમાંથી મેઘરાજાના અમી છાંટા શરૂ થયા હતા. ધૂળ અને ગરમીથી પરેશાન લોકો માટે આ વરસાદી છાંટા રાહત લઈને આવ્યા હતા અને વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ, આ રાહતની વચ્ચે પણ પવન દ્વારા સર્જાયેલી તારાજીના દ્રશ્યોએ સ્થાનિક વેપારીઓ અને રહીશોની ચિંતામાં ભારે વધારો કર્યો છે. ઘરના છાપરા અને ધંધાકીય એકમોના શેડ ઉડી જવાથી લોકો હવે કુદરતના આ પલટા પછી નુકસાનીમાંથી બહાર આવવા મથામણ કરી રહ્યા છે.વાવાઝોડાએ મચાવી તબાહી, તંત્ર દ્વારા નુકસાનીના આંકલનની પ્રતીક્ષા: વાગરા પંથકમાં સર્જાયેલી આ કુદરતી હોનારતમાં પ્રાથમિક દ્રષ્ટિએ લાખો રૂપિયાની મિલકતોને નુકસાન થયું હોવાનું જણાઈ રહ્યું છે. સોલાર પેનલો અને મકાનોના પતરા ઉડવા જેવી ઘટનાઓએ આર્થિક ફટકો માર્યો છે, પરંતુ ખરેખર પંથકમાં કેટલું નુકસાન થયું છે અને કયા કયા ક્ષેત્રોમાં કેટલી અસર થઈ છે, તે તો સ્થાનિક તંત્ર અને વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર સર્વે કર્યા બાદ જાહેર કરવામાં આવેલ આંકડાઓ પરથી જ જાણી શકાશે. હાલમાં પંથકના રહીશો અને વેપારીઓ તંત્ર દ્વારા નુકસાનીના વળતર કે સર્વેક્ષણની કામગીરી શરૂ થાય તેની પ્રતીક્ષા કરી રહ્યા છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.