Geo Gujarat News

ભરૂચના ઇતિહાસમાં નવું પ્રકરણ, આદિલ અલી વજાહત ખાન બન્યા ભરૂચના 9મા નવાબ, એદ્રુશ દરગાહ ખાતે યોજાઈ દસ્તારબંધી વિધિ.

સંસ્કારી નગરી ભરૂચના રાજવી અને નવાબ પરિવારની પેઢી દર પેઢી ચાલી આવતી ભવ્ય પરંપરાનો ગૌરવવંતો નજારો જોવા મળ્યો હતો. ભરૂચના હઝરત એદ્રુશ બાવાની પવિત્ર દરગાહ ખાતે આયોજિત એક ગરિમાપૂર્ણ સમારોહમાં આદિલ અલી વજાહત ખાનને વિધિવત રીતે ભરૂચના નવમા નવાબ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પરંપરાગત દસ્તારબંધી સાથે નવાબ પરિવારના આ નવા વારસદારની નિમણૂક કરવામાં આવી હતી. નવા જાહેર થયેલા નવાબ સાહેબ આદિલ અલી વજાહત ખાન એ આઠમા નવાબ સ્વ. વજાહત અલી ખાનના જ્યેષ્ઠ પુત્ર અને સાતમા નવાબ સુજાઅત અલી ખાનના પૌત્ર છે. આ પ્રતિષ્ઠિત પરિવારનો વંશ મરહુમ નવાબ મિર્ઝા શુજાઅત અલી ખાન નિઝામી સુધી વિસ્તરેલો છે, જેઓ ભરૂચના નવાબ વંશની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાખાના મૂળ પુરુષ ગણાય છે. પેઢીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ એટલી જ ગરિમા અને શ્રદ્ધા સાથે જાળવી રાખવામાં આવી છે.આ ઐતિહાસિક પ્રસંગે હઝરત એદ્રુશ બાવાની દરગાહ ખાતે વિશેષ મજલિસનું આયોજન કરવામાં આવ્યું હતું. મસ્જિદના પેશ ઈમામ અને દરગાહના ખાદીમની પ્રત્યક્ષ હાજરીમાં શાસ્ત્રોક્ત અને પરંપરાગત રીતે ‘દસ્તારબંધી’ની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ સમારોહમાં દરગાહના સજ્જાદા નશીન હઝરત સૈયદ શહાબુદ્દીન એડ્રુસી સહાબ બાવાએ ખાસ ઉપસ્થિત રહીને નવાબ સાહેબને આશીર્વચન પાઠવ્યા હતા અને દુઆઓ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આ ગૌરવપૂર્ણ અવસરે નવાબ સાહેબના અનુજ ભાઈ નવાબઝાદા અઝમત અલી ખાન તેમજ પરિવારના અન્ય સભ્યો, મિત્રો અને શુભચિંતકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ અને સફળ સંચાલન ઝૈનુદ્દીન વફીઉદ્દીન સૈયદ અને અઝહરુદ્દીન વફીઉદ્દીન સૈયદ દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચના ઇતિહાસમાં આ ઘટના એક મહત્વપૂર્ણ પ્રકરણ તરીકે અંકિત થઈ છે, જેનાથી શહેરના વારસા અને સંસ્કૃતિની ઝલક ફરી એકવાર જોવા મળી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.