રાજકોટ જિલ્લાના ઐતિહાસિક શહેર ધોરાજીમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર પર્વની પરંપરાગત આસ્થા અને અકીદત સાથે ઉજવણી કરવામાં આવી હતી. રમઝાન માસના ઉપવાસ પૂર્ણ થયા બાદ ભાઈચારાના પ્રતીક સમાન આ તહેવારે ધોરાજીની ગલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ઐતિહાસિક ઈદગાહમાં ગુંજ્યા અમન અને શાંતિના સૂર:ધોરાજીની સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક ઈદગાહ મસ્જિદ ખાતે વહેલી સવારથી જ મુસ્લિમ સમાજના લોકો સફેદ લિબાસમાં સજ્જ થઈને નમાઝ અદા કરવા ઉમટી પડ્યા હતા. શાહી જામા મસ્જિદના ઈમામ હાફીઝ ઉવેશ સાહેબ અલવીએ ઈદની વિશેષ નમાઝ પઢાવી હતી. નમાઝ બાદ પઢવામાં આવેલા ખુતબામાં તેમણે દેશમાં કોમી એકતા જળવાઈ રહે, ભારત દેશ પ્રગતિના શિખરો સર કરે અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવી ભાવભરી દુઆ કરી હતી
પોતાના સંબોધનમાં હાફીઝ ઉવેશ સાહેબે ઈદના દિવસે દાનના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે આકરા શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું હતું કે, ઈદ એ માત્ર નવા કપડાં પહેરવા કે મીઠાઈ ખાવાનો ઉત્સવ નથી, પરંતુ સમાજના આર્થિક રીતે નબળા, અનાથ બાળકો, વિધવા મહિલાઓ, વિકલાંગો અને બીમાર વૃદ્ધોની મદદ કરીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનું પર્વ છે. સાચી ઈદ ત્યારે જ ગણાશે જ્યારે આપણી આસપાસનો કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન રહે. ઇદની વિશેષ નમાઝ સંપન્ન થયા બાદ ઈદગાહ મેદાન ખાતે એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની કામગીરીની સરાહના કરવામાં આવી હતી. આ તકે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ, પીઆઈ ગરચર સહિતના પોલીસ સ્ટાફનું ફૂલહાર અને શાલ ઓઢાડી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને ગળે મળી ‘ઈદ મુબારક પાઠવીને ભારતીય સંસ્કૃતિના સાચા દર્શન કરાવ્યા હતા. ધોરાજી પોલીસ દ્વારા ઈદના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ઈદની ઉજવણી પૂર્ણ થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
સકલૈન ગરાણા, ધોરાજી (રાજકોટ)
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com