ભરૂચ જિલ્લામાં સરકારી સેવાઓને વધુ સુલભ અને ઝડપી બનાવવા માટે જન સેવા કેન્દ્રોના આધુનિકીકરણની કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. આ જ પ્રયત્નોના ભાગરૂપે આમોદ મામલતદાર કચેરી ખાતે નવી સુવિધાઓ સાથે સજ્જ જન સેવા કેન્દ્રનું પ્રારંભ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર શરૂ થવાથી અરજદારોને હવે એક જ સ્થળેથી વિવિધ પ્રકારના દાખલાઓ, પ્રમાણપત્રો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે. રાજ્ય સરકાર પારદર્શક અને લોકો સુધી પહોંચતા વહીવટ માટે જે દિશામાં પ્રયત્નશીલ છે, તેમાં આમોદનું આ જન સેવા કેન્દ્ર મહત્વપૂર્ણ કડી બની રહ્યું છે. આધુનિક સુવિધાઓ ધરાવતા આ કેન્દ્રનું લોકાર્પણ ભરૂચ સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ જન સેવા કેન્દ્રની મુલાકાત લઈ ત્યાં અરજદારોને આપવામાં આવતી સેવાઓ અને સુવિધાઓની સમીક્ષા કરી હતી. કેન્દ્રમાં કામગીરી સરળ અને વ્યવસ્થિત રીતે ચાલે છે કે નહીં તે અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી.
નવા કેન્દ્રના કારણે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોના લોકોને હવે સરકારી કામકાજ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કે વારંવાર કચેરીના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. પ્રક્રિયાઓ વધુ ઝડપી અને સ્પષ્ટ બનતાં સ્થાનિક નાગરિકોના સમય અને શક્તિનો બચાવ થશે. આ પ્રસંગે સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખીને કચેરીના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ અને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આમોદ ઉપરાંત ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પણ નવા જન સેવા કેન્દ્રનું નિર્માણ પૂર્ણ થયું છે. અહીં પણ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આગામી સમયમાં આવા કેન્દ્રો દ્વારા લોકોને સરકારી સેવાઓ વધુ અસરકારક રીતે અને સમયસર મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023