Geo Gujarat News

આમોદ: સમનીથી ગુમ થયેલો 13 વર્ષીય બાળક ઈખર ખાતેથી મળી આવ્યો, પરિવારમાં ખુશીની લહેર..

આમોદ તાલુકામાં એક કિશોરના ગુમ થવાના બનાવને કારણે બે દિવસ માટે ચિંતા અને અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ સમયસર પોલીસ અને સ્થાનિકોની સતર્કતાથી બાળક સલામત મળી આવતાં પરિવારમાં તથા ગામમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. સમની ગામમાં મજૂરી કામ કરતા મૂળ મહારાષ્ટ્રના પરપ્રાંતીય શ્રમિકનો 13 વર્ષીય પુત્ર અચાનક ઘરેથી નીકળી જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બનાવ અંગે મળતી માહિતી મુજબ, ઘરમાં ચૂલામાં બળતરા નાખવા બાબતે બાળકને ઠપકો આપતાં તેને મનમાં લાગી જતાં કોઈને કહ્યા વિના ઘર છોડીને ચાલ્યો ગયો હતો. બાળક લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. અંતે બાળક ગુમ થવા અંગે તારીખ 20 માર્ચ, 2026ના રોજ આમોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ફરિયાદ મળતાં જ આમોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી આસપાસના ગામો તેમજ સંભાવિત સ્થળોએ તપાસ ચલાવી હતી. દરમિયાન ઈખર ગામ નજીક નાળાની આસપાસ એક બાળક એકલો બેઠેલો હોવાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. જાણ મળતાં જ પોલીસ ટીમ તરત જ સ્થળ પર પહોંચી બાળકને સલામત રીતે પોતાના કબ્જામાં લઈ આમોદ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બાળકના પિતાને સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ પિતાને બોલાવી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી બાળકને સુરક્ષિત રીતે પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. બાળક મળી આવતાં પરિવારજનો તેમજ સમની ગામના રહેવાસીઓમાં ભારે રાહતની લાગણી ફેલાઈ ગઈ હતી. આ સાથે જ પરિવારે સમયસર અને સંવેદનશીલ કામગીરી બદલ આમોદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ઘટના બાદ ગામમાં ફરી સામાન્ય સ્થિતિ સ્થાપિત થઈ હતી.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.