Geo Gujarat News

વાગરામાં આપનો માસ્ટરસ્ટ્રોક, વિલાયત જિલ્લા પંચાયત બેઠક પર દીપક પટેલ મેદાને, જનસેવા અને પરિવર્તનના સંકલ્પ સાથે રણશિંગું ફૂંકાયું


ભરૂચ જિલ્લા સંગઠન મંત્રી દીપક બળદેવભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભરૂચ જિલ્લાના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ વ્યૂહાત્મક નિર્ણય લેતા વાગરા તાલુકાની પ્રતિષ્ઠિત વિલાયત જિલ્લા પંચાયત બેઠક માટે ભરૂચ જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલના નામની સત્તાવાર જાહેરાત કરી છે. લાંબા સમયથી સંગઠન અને પાયાના જનસેવા કાર્યોમાં સક્રિય એવા દીપક પટેલની ઉમેદવારીથી સ્થાનિક સ્તરે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને નવી આશાનો સંચાર થયો છે. આપ દ્વારા માત્ર જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ તાલુકા પંચાયત સ્તરે પણ મજબૂત અને લોકપ્રિય ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમાં વાગરા જિલ્લા પંચાયત માટે શેહનાજબાનું યુસુફ ભૂરા અને વિવિધ તાલુકા બેઠકો પર કિશન વસાવા, કાનજીભાઈ પટેલ, સુમનબેન વસાવા તથા રાજેશભાઈ રાઠોડ જેવા લડાયક ઉમેદવારોનો સમાવેશ થાય છે. પોતાની ઉમેદવારી જાહેર થતા જ દીપક પટેલે એક સ્પષ્ટ અને મક્કમ રોડમેપ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તે મારા માટે માત્ર પદ નહીં પણ લોકોની સેવા કરવાની એક મોટી જવાબદારી છે.
જનસેવા અને પરિવર્તનના સંકલ્પ સાથે રણશિંગું ફૂંકાયું: તેમણે વધુમાં ઉમેર્યું કે, વાગરા વિસ્તારના ગ્રામીણ પટ્ટામાં આજે પણ રોડ-રસ્તાની દુર્દશા, શુદ્ધ પીવાના પાણીની અછત, કથળેલું આરોગ્ય માળખું અને સ્થાનિક યુવાનો માટે રોજગારી એ મુખ્ય પડકારો છે. તેઓ આ પાયાના પ્રશ્નોને વાચા આપીને સત્તાના કેન્દ્રમાં સામાન્ય માણસને લાવવા માંગે છે. દીપક પટેલની કાર્યશૈલી હંમેશા લોકોની વચ્ચે રહીને કામ કરવાની રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમનું લક્ષ્ય માત્ર ચૂંટણી જીતવાનું નથી પરંતુ પારદર્શક, ભ્રષ્ટાચાર મુક્ત અને ઈમાનદાર શાસન વ્યવસ્થા ઉભી કરવાનું છે. વિસ્તારના દરેક વર્ગના લોકો સાથે સીધો સંવાદ સાધીને તેમની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવાની નેમ તેમણે વ્યક્ત કરી છે. આમ આદમી પાર્ટીના આ યુવા અને સક્રિય કાર્ડથી વાગરા તાલુકાના રાજકીય સમીકરણોમાં ચોક્કસપણે ગરમાવો આવશે અને આગામી સમયમાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનશે તેમ લાગી રહ્યું છે.વિવિધ પંચાયત બેઠકો પર પણ પાર્ટીએ સક્રિય કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા: ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પોતાની પકડ મજબૂત કરવાના હેતુથી વિલાયત બેઠક ઉપરાંત અન્ય મહત્વની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકો પર પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આપ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય સ્થાનિક સ્તરે સંગઠનને વધુ વેગ આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.