Geo Gujarat News

અમદાવાદ: તિરમીઝી બંધુઓએ મેદાન મારી લીધું, સુલતાન અહમદશાહના સાહસ અને ગાંધીજીના સંકલ્પની ભૂમિ પરથી ઉભર્યા બે નવા ચેમ્પિયન!

ગાંધીનગર શોટગન ચેમ્પિયનશિપમાં ફહામ અને ફતીન તિરમીઝીનો દબદબો: સાબરમતી નદીના કિનારે વસેલા ઐતિહાસિક શહેર અમદાવાદના બે તેજસ્વી યુવા શૂટરોએ ફરી એકવાર ખેલજગત પર પોતાની મજબૂત છાપ છોડી છે. ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા ગાંધીનગરના વાલાદ સ્થિત ક્રાઉન શૂટિંગ એન્ડ સ્પોર્ટ્સ અકાદમી ખાતે આયોજિત ત્રીજી ગાંધીનગર જિલ્લા શોટગન ચેમ્પિયનશિપમાં અમદાવાદના રહેવાસી ફહામ નઈમ તિરમીઝી અને ફતીન નઈમ તિરમીઝીએ પોતાની સચોટ નિશાનબાજીથી મેડલ્સની વણઝાર લગાવી દીધી છે. આ સ્પર્ધામાં રાજ્યભરના નામી શૂટરોએ ભાગ લીધો હતો, પરંતુ તિરમીઝી બંધુઓના અદભૂત કૌશલ્ય સામે સૌ નતમસ્ત થયા હતા. ફહામ તિરમીઝીએ ટીમ સ્કીટ શૂટિંગમાં અવધકુમાર અમીન અને ઉમંગ દેસાઈ સાથે ખભાથી ખભો મિલાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો, જ્યારે વ્યક્તિગત પુરુષ વર્ગની ક્લે પિજન સ્કીટ શૂટિંગમાં તેણે બ્રોન્ઝ સાથે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. બીજી તરફ, ફતીન તિરમીઝીએ પણ પોતાની પ્રતિભાનો પરચો આપતા ડબલ ટ્રેપ શોટગન શૂટિંગની વ્યક્તિગત કેટેગરીમાં સુવર્ણ પદક હાંસલ કર્યો હતો. આટલેથી ન અટકતા, ફતીને ટીમ ઇવેન્ટ્સમાં પણ નિઝામુદ્દીન અને બાઝ કૃષ્ણકુમાર સાથે મળીને સિલ્વર મેડલ, તેમજ મૌલિક ગોહિલ અને સરફરાજ દેસાઈની સાથે શોટગન ટ્રેપ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને કુલ ત્રણ પદકો પોતાના નામે કર્યા હતા.
ઇતિહાસ સાક્ષી છે, સાબરમતીનું પાણી ખમીરવંતું છે:
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ આ બંને ભાઈઓએ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે ક્વોલિફાઈ થઈને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું, જે સિલસિલો આ વર્ષે પણ અવિરત રહ્યો છે. આ સફળતા માત્ર ખેલજગત પૂરતી સીમિત નથી, પરંતુ તે અમદાવાદની એ ઐતિહાસિક અને ખમીરવંતી ભૂમિના સંસ્કારોનું પ્રતિબિંબ છે. વર્ષ ૧૪૧૧માં સુલતાન અહમદશાહે જ્યારે સાબરમતીના કિનારે એક નાના સસલાને શિકારી કુતરાનો બહાદુરીપૂર્વક સામનો કરતા જોયો, ત્યારે તે દ્રશ્યથી પ્રભાવિત થઈને આ શહેરની સ્થાપના કરી હતી. એ જ સાહસ અને લડાયક મિજાજ આજે ફહામ અને ફતીન જેવા યુવાનોમાં જોવા મળી રહ્યો છે. જે કિનારે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ અને સ્વતંત્રતાના આંદોલનોનો પાયો નાખ્યો હતો, તે જ ભૂમિના આ યુવા રત્નો આજે શૂટિંગ રેન્જમાં મેડલ્સ જીતીને રાષ્ટ્રનું નામ રોશન કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. રમતગમત પ્રેમીઓ, કોચીસ અને શિક્ષણવિદો દ્વારા આ બંને ભાઈઓ પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે અને સૌ કોઈ આશા સેવી રહ્યા છે કે આગામી સમયમાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાત અને ભારતનું ગૌરવ વધારશે.

ફહામ અને ફતીન તિરમીઝીએ શૂટિંગ રેન્જમાં રચ્યો ઈતિહાસ: અલ્લામા ઈકબાલના આ અમર શબ્દો ફહામ અને ફતીન તિરમીઝી જેવા ઊર્જાવાન અને લક્ષ્યવેધી યુવાનો માટે જાણે જીવંત પ્રેરણા સ્ત્રોત છે. આ પંક્તિઓનો સાર એ છે કે, તું એક શાહીન (બાઝ) છે, જેનો સ્વભાવ જ ઊંચી ઉડાન ભરવાનો છે, તારા માટે આ તો માત્ર શરૂઆત છે, હજુ તો અનેક આસમાનો સર કરવાના બાકી છે. તારું સ્થાન કોઈ રાજમહેલના ગુંબજ પર આરામ કરવાનું નથી, પરંતુ તારું અસલી ઠેકાણું તો પહાડોની કઠિન ચટ્ટાનો વચ્ચે સંઘર્ષ કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું છે. જેમ એક બાઝ પક્ષી ક્યારેય પાંજરામાં પુરાઈ રહેતું નથી અને હંમેશા ઊંચાઈના નવા શિખરો શોધે છે, તેમ સાબરમતીના કિનારેથી ઉભરેલા આ તિરમીઝી બંધુઓએ પણ સાબિત કર્યું છે કે તેમની ક્ષમતા સીમિત નથી. ગાંધીનગર જિલ્લા શોટગન ચેમ્પિયનશિપમાં મેળવેલી આ સફળતા તો એમના માટે માત્ર એક પડાવ છે, હજુ તો આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાના અનેક આસમાન તેમની પ્રતીક્ષા કરી રહ્યા છે. ઈકબાલના શાહીનની જેમ જ આ યુવા શૂટરોએ પણ સાબિતી આપી છે કે સાચી સફળતા આરામમાં નહીં, પણ કઠિન પરિશ્રમ અને પહાડો જેવી મક્કમતામાં છુપાયેલી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.