ભરૂચમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગની ઘટનાઓએ દેખા દેવાનું શરૂ કર્યું છે, જેમાં ઝાડેશ્વર ચોકડી પાસે આવેલ એક શોપિંગ સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિગતો મુજબ, ઝાડેશ્વર ચોકડી સ્થિત આર.કે. એલીનો રા શોપિંગમાં આવેલી સાંઈ અગરબત્તી નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. અગરબત્તીના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી જતાં આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.
આ દુર્ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ ભરૂચ નગરપાલિકા અને GNFCના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ સ્થાનિકોએ હિંમત બતાવી હતી. સરકારી મદદમાં વિલંબ થતા શોપિંગ સેન્ટરમાં ઉપલબ્ધ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરીને જાગૃત નાગરિકોએ ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા રહીશો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com