Geo Gujarat News

વાગરા-ભરૂચ માર્ગ પર નીલગાયનું ટોળું આડું ઉતરતા અકસ્માત, ૧૯ વર્ષીય આશાસ્પદ યુવાનનું કરુણ મોત નિપજ્યું..

અરગામા પાસે નીલગાયોના ટોળા સાથે સ્ફુટર અથડાતા ૧૯ વર્ષના આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો:  વાગરા તાલુકામાં આજે વહેલી સવારે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ૧૯ વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો છે. કંપનીમાં ફરજ બજાવી ઘરે પરત ફરી રહેલા યુવાનના સ્કૂટર સાથે નીલગાયોનું ટોળું અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચ તાલુકાના દયાદરા ગામે પ્રેમ નગરીમાં રહેતા ૧૯ વર્ષીય વિષ્ણુભાઈ નિલેશભાઈ વસાવા આજે વહેલી સવારે પોતાની ફરજ પૂરી કરી બિરલા ગ્રાસીમ કંપનીથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ પોતાનઇ સુઝુકી એક્સેસ સ્કૂટર નંબર GJ-16 EH-0228 લઈને વાગરા-ભરૂચ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આશરે સવા છ થી સાડા છ વાગ્યાના સુમારે જ્યારે તેઓ અરગામા ગામના કબ્રસ્તાન પાસે પહોંચ્યા, ત્યારે અચાનક રસ્તા પર નીલગાયનું એક આખું ટોળું રોડ ક્રોસ કરી રહ્યું હતું. વિષ્ણુભાઈ કશું સમજે તે પહેલા જ રોઝના ટોળાએ તેમના સ્કૂટરને જોરદાર અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે, વિષ્ણુભાઈ સ્કૂટર સાથે રોડ પર જોરદાર પટકાયા હતા.

ગમખ્વાર અકસ્માતમાં દયાપરાના પ્રેમ નગરનો યુવાન મૃત્યુ પામ્યો: રસ્તા પર પટકાવાને કારણે યુવાનને માથાના તેમજ ચહેરાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં તેઓ બેભાન થઈ ગયા હતા. અકસ્માત જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે વાગરાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે તેમનું હોસ્પિટલ પહોંચતા પૂર્વે અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક યુવાનના પિતા નીલેશભાઈ રતિલાલભાઈ વસાવાએ વાગરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. વાગરા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. ૧૯ વર્ષના આશાસ્પદ યુવાનના અચાનક મોતના સમાચારથી દયાદરા પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી ફરી વળી છે. વન્ય પ્રાણીઓના રોડ પર ઉતરી આવવાને કારણે થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.