Geo Gujarat News

અંકલેશ્વર: DGVCL ના પ્રોજેક્ટ સાઇટ પરથી ૧૦૮ મીટર કેબલની ચોરી, પાનોલી પોલીસની સતર્કતાથી બે શખ્સો ઝડપાયા..

અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં થયેલી લાખોની કેબલ ચોરીનો ભેદ ઉકેલવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. DGVCLની કામગીરી દરમિયાન રાખવામાં આવેલા કિંમતી કેબલની તસ્કરી કરનાર બે શખ્સોને પોલીસે ગણતરીના દિવસોમાં દબોચી લીધા છે. આ ઘટનાની વિગત મુજબ પાનોલી વિસ્તારમાં DGVCL દ્વારા રોડ ક્રોસિંગ માટે કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર વિવેક મોદીએ કામ અર્થે જરૂરી કેબલના મોટા ડ્રમ પાનોલી ‘બી’ સબ સ્ટેશનના ગેટ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં સુરક્ષિત રાખ્યા હતા. જોકે, ગત ૧૭મી માર્ચથી ૨૨મી માર્ચ દરમિયાન તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ આ સ્થળને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ કેબલના ડ્રમમાંથી આશરે ૧૦૮ મીટર જેટલો વાયર કાપીને તેની ચોરી કરી હતી, જેની બજાર કિંમત અંદાજે ૧.૪૦ લાખ જેટલી થાય છે.લાખોની મતા ચોરાયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનાની ગંભીરતા સમજીને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ કડીઓના આધારે નોબલ માર્કેટ પાસે આવેલી ન્યુ ઇન્ડિયા નૂર મોહમ્મદની ચાલીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે બે શખ્સોની અટકાયત કરી છે. જેમાં અતિકુરહેમાન અબ્દુલ કુદુસ શાહ અને મોહમ્મદ આમીર મોહમ્મદ યુનુસ સિદ્દીકીનો સમાવેશ થાય છે. ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ પણ આ ટોળકીએ અન્ય કોઈ સ્થળે ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ. આ સફળ કામગીરીને પગલે વિસ્તારમાં રાત્રિ દરમિયાન થતી ચોરીની પ્રવૃત્તિઓ પર લગામ આવશે તેવી આશા સેવાઈ રહી છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.