Geo Gujarat News

ભરૂચ: વિશ્વનું ઉભરતું કેમિકલ કેપિટલ, 1394 ઉદ્યોગો અને 2 લાખ પરિવારોની રોજીરોટીનું સક્ષમ કેન્દ્ર!

ગુજરાતનું ભરૂચ આજે માત્ર એક જિલ્લો મટીને વૈશ્વિક સ્તરે કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે એક મજબૂત ઇકોસિસ્ટમ તરીકે પ્રસ્થાપિત થયું છે. અંકલેશ્વરથી લઈને દહેજ સુધી ફેલાયેલી ઔદ્યોગિક વસાહતોના કારણે ભરૂચને આજે ભારતનું કેમિકલ કેપિટલ ગણવામાં આવે છે. આ જિલ્લાના માધ્યમથી આજે લગભગ 2 લાખ જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળી રહી છે, જે સ્થાનિક અર્થતંત્ર માટે કરોડરજ્જુ સમાન છે. ભરૂચ જિલ્લામાં હાલમાં નાના, મધ્યમ અને મોટા કદના કુલ 1394 ઉદ્યોગો કાર્યરત છે. નોંધપાત્ર બાબત એ છે કે આ કુલ એકમોમાંથી 45% જેટલા યુનિટ્સ માત્ર કેમિકલ સેક્ટરના છે. આ ઉદ્યોગોની મજબૂતીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, એકલા ભરૂચ જિલ્લામાંથી અમેરિકામાં થતી નિકાસનો આંકડો 986 મિલિયન અમેરિકન ડોલરને પાર કરી ગયો છે. રાષ્ટ્રીય સ્તરે કેમિકલ ઉત્પાદનમાં આ જિલ્લાનો ફાળો 23.5% થી વધુ નોંધાયો છે, જે ભારતની નિકાસ શક્તિમાં ભરૂચનું મહત્વ અધોરેખિત કરે છે.જિલ્લાની વિકાસયાત્રામાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, સાયખા અને વિલાયત જેવી જીઆઈડીસી વસાહતોએ મહત્વની ભૂમિકા ભજવી છે. અહીં ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલ્સ, ડાયઝ અને પિગમેન્ટ્સ, એગ્રોકેમિકલ્સ તેમજ ટેક્સટાઇલ અને ફાઇબર જેવા વિવિધ ક્ષેત્રોમાં અદ્યતન ટેકનોલોજી સાથે ઉત્પાદન થઈ રહ્યું છે. આ ક્લસ્ટર્સના કારણે જ વિશ્વભરના રોકાણકારો માટે ભરૂચ પ્રથમ પસંદગીનું કેન્દ્ર બન્યું છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને નવી ઊંચાઈએ લઈ જવા માટે સુરત ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ઉદ્યોગસાહસિકો, નીતિનિર્માતાઓ અને રોકાણકારો એક મંચ પર એકત્રિત થશે. આ મંચ ભરૂચના ઉદ્યોગો માટે ટેકનોલોજીકલ આદાન-પ્રદાન, નવું રોકાણ અને વૈશ્વિક ભાગીદારી માટે સુવર્ણ તકો ઉભી કરશે, જેનાથી આવનારા વર્ષોમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.