દેશની રાજધાનીમાં યોજાયેલી પ્રતિષ્ઠિત ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ 2025-26 સંગીત-નૃત્ય-નાટક સ્પર્ધામાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે. ભરૂચની સરકારી ઇજનેરી કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. સ્વરલ રવિન નાયકે પોતાની સુરીલી ગાયકીથી રાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર સુવર્ણ સફળતાનો ઇતિહાસ રચ્યો છે. 20 થી 25 માર્ચ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં તેમણે સુગમ સંગીત વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. ગુજરાત સેક્રેટરિયેટ ટીમ વતી પ્રતિનિધિત્વ કરી રહેલા ડો. નાયકે આ મંચ પર જાણીતા શાયર બશીર બદ્રની અત્યંત ભાવુક અને લોકપ્રિય ગઝલ લોગ ટૂટ જાતે હૈ એક ઘર બનાને મેં… રજૂ કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, તેમણે આ ગઝલને પોતાના મૌલિક સ્વરાંકન સાથે રજૂ કરી હતી, જેણે ત્યાં હાજર નિષ્ણાત નિર્ણાયકો અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
દેશભરના વિવિધ રાજ્યોના પ્રતિભાશાળી સરકારી કર્મચારીઓ વચ્ચેની આ કડી સ્પર્ધામાં ડો. નાયકનો અવાજ સર્વોપરી સાબિત થયો હતો. ઉલ્લેખનીય છે કે, ડો. સ્વરલ નાયકની આ સફળતા કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ તેમની વર્ષોની સાધનાનું પરિણામ છે. ગત વર્ષે (2023-24) નાગપુર ખાતે યોજાયેલી સ્પર્ધામાં પણ તેમણે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. આમ, સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ જાળવી રાખીને તેમણે પોતાની કલાત્મક શ્રેષ્ઠતા સાબિત કરી છે. એક તરફ શિક્ષણ જગત અને બીજી તરફ કલા જગત-બંને મોરચે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ડો. નાયકની આ સિદ્ધિને ભરૂચ અને સમગ્ર ગુજરાત હર્ષભેર વધાવી રહ્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com