Geo Gujarat News

ભરૂચમાં વાદળોની સંતાકૂકડી વચ્ચે હીટવેવ જેવો અહેસાસ, પારો 41 ડિગ્રીને પાર જવાની વકી

ઔદ્યોગિક નગરી ભરૂચમાં અત્યારે કુદરતનો બેવડો મિજાજ જોવા મળી રહ્યો છે. ગઈકાલે બપોર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હોવા છતાં ગરમીના પારામાં કોઈ ઘટાડો નોંધાયો નથી, ઊલટાનું બફારો અને તાપ વધતા જનજીવન પ્રભાવિત થયું છે. કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે શહેરના માર્ગો સૂમસામ ભાસી રહ્યા છે અને લોકો અનિવાર્ય કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગઈકાલે જિલ્લાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જોકે, હવામાં ભેજનું પ્રમાણ 23 ટકા અને 17 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે ‘રિયલ ફીલ’ (વાસ્તવિક અનુભવ) 40 ડિગ્રીથી પણ વધુ વર્તાઈ રહ્યો હતો. હવામાન નિષ્ણાતોના મતે, પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને પવનની બદલાયેલી દિશાને કારણે હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની ચેતવણી મુજબ, આગામી ચાર દિવસ ભરૂચવાસીઓ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેશે. તાપમાનનો પારો 39 થી 42 ડિગ્રીની વચ્ચે રહેવાની પ્રબળ શક્યતા છે. જોકે, ગરમીથી આકુળ-વ્યાકુળ બનેલા લોકો માટે રાહતના સમાચાર એ છે કે, 29 અને 30 માર્ચની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વાતાવરણમાં પલટો આવી શકે છે, જેનાથી ગરમીમાં આંશિક ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.