ભરૂચના શ્રદ્ધાના કેન્દ્ર સમાન શક્તિનાથ વિસ્તારમાં આવેલા પ્રાચીન શક્તિનાથ મહાદેવ મંદિરમાં મધરાત્રે તસ્કરોએ કળા કરી છે. અંધારાનો લાભ લઈ ત્રાટકેલા અજાણ્યા શખ્સોએ ભગવાનના ગર્ભગૃહને નિશાન બનાવી લાખોની કિંમતના પવિત્ર આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના શ્રદ્ધાળુઓમાં ભારે રોષ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઘટનાની વિગત મુજબ, તસ્કરો મંદિરમાં પ્રવેશી શિવલિંગ પર બિરાજમાન ચાંદીનું વિશાળ છત્ર, ચાંદીનો નાગ તેમજ ભગવાનની મૂર્તિઓ પર ધારણ કરાવેલા અન્ય કિંમતી આભૂષણો ઉઠાવી ગયા હતા. આજે વહેલી સવારે જ્યારે મંદિરના પૂજારી નૈનેષ જોષી નિત્યક્રમ મુજબ પૂજા-અર્ચના માટે આવ્યા, ત્યારે ગર્ભગૃહની હાલત જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પૂજારીના પ્રાથમિક અંદાજ મુજબ અંદાજે ₹3 થી 4 લાખની કિંમતની પૂજા સામગ્રી અને ઘરેણાંની ચોરી થઈ હોવાનું મનાય છે.
ચોરીની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને મંદિરના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કેસના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી રહી છે. બીજી તરફ, ધાર્મિક સ્થળોએ વધતી જતી અસુરક્ષાને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે અને પોલીસ રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ ઉઠી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com